કેરલમ વિધાનસભા ચૂંટણી 2026માં UDFની શાનદાર જીત બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે ધમાસાણ મચ્યું છે. વી.ડી. સતીશન અને કે.સી. વેણુગોપાલ વચ્ચે ખુરશી માટેના જંગમાં દિલ્હી હાઇકમાન્ડ મૂંઝાયું છે. જાણો શું છે રાહુલ ગાંધીનો પ્લાન.

કેરલમ, મંગળવાર
કેરલમ વિધાનસભા ચૂંટણી 2026 માં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ શાનદાર જીત તો મેળવી લીધી છે, પરંતુ હવે કોંગ્રેસ માટે નવી મુસીબત ઊભી થઈ છે. રાજ્યનો નવો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પાર્ટીમાં જબરદસ્ત ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ આખો મામલો કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે થયેલા રાજકીય ટકરાવની યાદ અપાવી રહ્યો છે.
મુખ્યમંત્રી પદના ત્રણ મજબૂત દાવેદાર
કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ અને સ્થાનિક નેતાઓ વચ્ચે સીએમ ચહેરાને લઈને ભારે મતભેદ છે. હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં 3 મોટા નામ સામેલ છે:
કે.સી. વેણુગોપાલ: તેઓ દિલ્હી હાઇકમાન્ડ અને ખાસ કરીને રાહુલ ગાંધીની પહેલી પસંદ છે. રાજ્યના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન પણ તેમની સાથે હોવાનું મનાય છે.
વી.ડી. સતીશન: તેઓ કેરલમની જનતાની પસંદ છે. તેમને UDF ના સાથી પક્ષ મુસ્લિમ લીગ (IUML) નો પણ મજબૂત ટેકો છે. સતીશને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુખ્યમંત્રી પદ સિવાય બીજું કોઈ ગૌણ પદ સ્વીકારશે નહીં.
રમેશ ચેન્નીથલા: તેઓ પણ સીએમ પદના દાવેદાર છે, પરંતુ પાર્ટી હાઇકમાન્ડ તેમને મુખ્યમંત્રી બનાવવાના બદલે વિધાનસભાના સ્પીકર બનાવવાનું વિચારી રહ્યું છે.
વી.ડી. સતીશનના બળવા અને હાઇકમાન્ડની નારાજગી
વી.ડી. સતીશને ડાબેરી સરકાર સામે કોંગ્રેસની લડાઈનું મજબૂત નેતૃત્વ કર્યું હતું, તેથી તેમને સાઇડલાઇન કરવા પાર્ટી માટે જરાય સહેલા નથી. હાલમાં તિરુવનંતપુરમમાં જ્યાં કે.સી. વેણુગોપાલના પોસ્ટરો લાગ્યા છે, તેની બરાબર સામે સતીશનના સમર્થકો શક્તિ પ્રદર્શન અને વિરોધ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સતીશન અને ચેન્નીથલા દ્વારા કરવામાં આવતા આ ‘પ્રેશર ટેક્ટિક્સ’ (દબાણ લાવવાની રીત) થી કોંગ્રેસ હાઇકમાન્ડ ભારે નારાજ છે.
કે.સી. વેણુગોપાલના નામ પર શું છે અડચણ?
જો પાર્ટી કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવે છે, તો કોંગ્રેસ સામે 2 મોટી વહીવટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વેણુગોપાલે મુખ્યમંત્રી બનવા માટે વિધાનસભાની પેટાચૂંટણી લડવી પડશે. તેઓ હાલમાં લોકસભાના સાંસદ છે. જો તેઓ સીએમ બને, તો તેમને સાંસદ પદેથી રાજીનામું આપવું પડે અને તે ખાલી પડેલી લોકસભા સીટ પર ફરીથી ચૂંટણી યોજવી પડે, જે પાર્ટી માટે વધારાની માથાકૂટ બની શકે છે.
ડેમેજ કંટ્રોલ માટે રાહુલ ગાંધી એક્શનમાં
આ કકળાટનો કાયમી ઉકેલ લાવવા માટે રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા છે. આ મડાગાંઠ ઉકેલવા તેમણે આવતીકાલે કેરલમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને વર્કિંગ પ્રેસિડેન્ટ્સની એક અત્યંત મહત્ત્વની બેઠક બોલાવી છે.
દિલ્હીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે કેરલમ વિધાનસભાની મુદત 23 મે સુધીની છે, તેથી તેમની પાસે યોગ્ય નિર્ણય લેવા માટે હજુ થોડો સમય છે. જોકે, ચૂંટણી જીતેલા અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા હોવાથી, કોંગ્રેસ હાઇકમાન્ડ પર કેરલમમાં પણ જલ્દીથી નામ જાહેર કરવાનું દબાણ સતત વધી રહ્યું છે.
કેરલમમાં કોંગ્રેસ માટે આ સમય “એક સાંધે ત્યાં તેર તૂટે” જેવો છે. હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી કોની નારાજગી વહોરીને કોના શિરે મુખ્યમંત્રીનો તાજ પહેરાવે છે.











