અમદાવાદ વાસીઓ ધ્યાન આપે! હવે 4 પ્રકારે કચરો અલગ નહીં કરો તો ગણાશે ગુનો, જાણો AMCની નવી ગાઈડલાઈન

અમદાવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કચરાના નિકાલ માટે નવા નિયમો લાગુ. હવે ઘરેથી 4 અલગ ભાગમાં કચરો આપવો ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર સામે AMC કડક કાર્યવાહી કરશે.

અમદાવાદ, બુધવાર
અમદાવાદ શહેરમાં રહેતા લોકો માટે એક ખૂબ જ અગત્યના સમાચાર છે. જો તમે પણ ઘરનો કે દુકાનનો બધો જ કચરો એકસાથે ડબ્બામાં ભરીને ફેંકી દેતા હોવ, તો હવે સાવધાન થઈ જજો. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના સેગ્રીગેશન (વર્ગીકરણ) માટે એક નવી ગાઈડલાઈન અમલમાં મૂકવામાં આવી છે. આ નવા નિયમ મુજબ, તમામ રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાંથી નીકળતા કચરાને ફરજિયાત 4 અલગ-અલગ કેટેગરીમાં વહેંચીને જ ડોર-ટુ-ડોર કચરાની ગાડીમાં આપવો પડશે. જો આમ નહીં કરવામાં આવે, તો કડક કાનૂની કાર્યવાહી થશે.

કચરાને 4 અલગ ભાગમાં કેવી રીતે વહેંચવો?
નવી ગાઈડલાઈન મુજબ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં હવે કચરાનું વર્ગીકરણ ફરજિયાત છે. તમારે કચરો નીચે મુજબ અલગ કરવાનો રહેશે:

ભીનો કચરો: આમાં રસોડાનો કચરો, વધેલો ખોરાક, ફળો અને શાકભાજીની છાલ વગેરેનો સમાવેશ થાય છે.

સૂકો કચરો: કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુ (મેટલ) જેવી વસ્તુઓ આ કેટેગરીમાં નાખવાની રહેશે.

સેનેટરી કચરો: વપરાયેલા ડાયપર અને સેનેટરી પેડ્સ આમાં આવશે. તેને ખુલ્લામાં નાખવાને બદલે ઉત્પાદક કંપનીએ આપેલી બેગમાં અથવા ન્યૂઝપેપરમાં યોગ્ય રીતે લપેટીને આપવાના રહેશે.

જોખમી અને ઈલેક્ટ્રોનિક કચરો: ઘરમાંથી નીકળતો ઈલેક્ટ્રોનિક વેસ્ટ (E-waste) અને અન્ય જોખમી કચરો પણ સાવ અલગથી જ આપવો પડશે.

1 એપ્રિલથી દેશવ્યાપી અમલ શરૂ: કચરો ફેંકવો કે બાળવો ગુનો ગણાશે

1 એપ્રિલથી આ કાયદાનો દેશભરમાં અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 18 મહિનાની અંદર આ નિયમનો ચુસ્તપણે અમલ કરાવવા આદેશ આપ્યો છે. હવેથી રસ્તા પર, ખુલ્લી જગ્યામાં, ગટરમાં કે તળાવ-નદી જેવા જળાશયોમાં કચરો ફેંકવો અથવા તેને બાળવો એ કાનૂની ગુનો ગણાશે.

મોટી સોસાયટીઓ, મોલ અને હોટલો માટે ખાસ નિયમ
જે જગ્યાએથી મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે, તેમને ‘બલ્ક વેસ્ટ જનરેટર’ની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ માટેના માપદંડ નીચે મુજબ છે, જે એકમનું બાંધકામ 20,000 ચોરસ મીટર કે તેથી વધુ હોય. જ્યાં રોજના 40,000 લીટરથી વધુ પાણીનો વપરાશ થતો હોય. અથવા, જે એકમમાંથી રોજનો 100 કિલોગ્રામથી વધુ ઘન કચરો નીકળતો હોય. આ નિયમ હેઠળ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ધાર્મિક સંસ્થાઓ, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, મોટા ફ્લેટ અને સોસાયટીઓ તથા શોપિંગ મોલ્સનો સમાવેશ થાય છે.

ફરજિયાત ઓનસાઈટ વેસ્ટ પ્રોસેસિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લેન્ડફિલ સાઈટ (કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ) પર કચરાનું ભારણ ઘટાડવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. ઉપર જણાવેલ તમામ ‘બલ્ક વેસ્ટ જનરેટર’ એકમોએ પોતાના ભીના કચરાનું પ્રોસેસિંગ પોતાની જ જગ્યા પર (ઓનસાઈટ) કરવું ફરજિયાત બનશે. જો આ નિયમનું પાલન નહીં થાય, તો AMC દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

અમદાવાદને સ્વચ્છ રાખવાની અને પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. સુપ્રીમ કોર્ટ અને AMC ના આ નવા નિયમો શહેરના ભવિષ્ય માટે હિતાવહ છે. તેથી, આજથી જ તમારા ઘર અને ઓફિસના કચરાને 4 ભાગમાં અલગ કરવાની આદત પાડો અને જવાબદાર નાગરિક બનો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!