યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બકરીદ 2026 ને લઈને વહીવટીતંત્રને એલર્ટ કર્યું છે. રાજ્યમાં ખુલ્લામાં નમાજ પઢવા અને કુરબાની પર કડક પ્રતિબંધ મુકાયો છે. જાણો સીએમ યોગીના 10 મોટા આદેશ.

ઉત્તરપ્રદેશ, સોમવાર
આગામી 28 મેના રોજ દેશભરમાં બકરીદનો તહેવાર મનાવવામાં આવશે. આ તહેવારને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે. રવિવારે મુખ્યમંત્રીએ એક હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી જેમાં પોલીસ અધિકારીઓ અને ડીએમ સાથે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં સીએમ યોગીએ બકરીદની ઉજવણી માટે સ્પષ્ટ અને સખત સૂચનાઓ આપી છે. રાજ્યમાં કોઈપણ સંજોગોમાં ખુલ્લામાં નમાજ અદા કરવા કે કુરબાની આપવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વહીવટીતંત્રને પહેલેથી જ એલર્ટ રહેવા જણાવાયું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, બકરીદનો તહેવાર તેની જૂની અને પારંપરિક રીતે જ ઉજવવામાં આવે. નમાજ માત્ર મસ્જિદ પરિસરમાં જ પઢવાની રહેશે. જો નમાઝીઓની સંખ્યા વધારે હોય તો તેઓ અલગ અલગ શિફ્ટમાં નમાજ અદા કરી શકશે. પણ રસ્તા રોકીને કે ટ્રાફિક જામ કરીને ઉજવણી કરવાની મંજૂરી કોઈને મળશે નહીં. તહેવાર દરમિયાન સ્વચ્છતા જાળવવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કુરબાની બાદ કોઈપણ પ્રકારની ગંદકી ન ફેલાય તેની જવાબદારી પણ સ્થાનિક તંત્રને સોંપવામાં આવી છે.
વહીવટીતંત્ર અને પોલીસને અપાયેલા સીએમ યોગીના 10 મોટા આદેશ નીચે મુજબ છે.
નમાજ માત્ર મસ્જિદ પરિસરમાં જ પઢવામાં આવે.
કોઈપણ સંજોગોમાં ખુલ્લામાં નમાજ અદા કરવામાં નહીં આવે.
રસ્તાઓ જામ કરીને નમાજ પઢવા પર સંપૂર્ણ રોક રહેશે.
જો લોકોની સંખ્યા વધુ હોય તો અલગ અલગ શિફ્ટમાં નમાજ અદા કરવાની વ્યવસ્થા ગોઠવવી.
જાહેરમાં કે ખુલ્લામાં કોઈપણ પ્રકારની કુરબાની આપી શકાશે નહીં.
પ્રતિબંધિત પશુઓની કુરબાની પર સખત મનાઈ છે.
કુરબાની આપ્યા બાદ રસ્તા પર કે આસપાસ ગંદકી ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવું.
તોફાની તત્વો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ પર બાજ નજર રાખવામાં આવે.
સુરક્ષા માટે તમામ ઈદગાહ પર પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.
સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને ડ્રોન મારફતે ચાંપતી નજર રાખવામાં આવશે.
આ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે રાજ્યભરમાં પોલીસ ફોર્સ ખડેપગે રહેશે. સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારની ઉજવણી આસ્થા અને ઉત્સાહ સાથે થવી જોઈએ પણ તેમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થવું પણ એટલું જ જરૂરી છે.











