અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે અપહરણની ચોંકાવનારી ઘટના બની છે. 4 લોકોએ ઘરમાં ઘૂસીને પરિણીતાને જબરદસ્તી ક્રેટા કારમાં ઉઠાવી ગયા. જાણો શું છે પૂર્વ પ્રેમીનો એંગલ અને પોલીસની કાર્યવાહી.

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદના મોટેરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. મોટેરાના ભીલવાસમાં ધોળા દિવસે એક પરિણીતાનું તેના જ ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અપહરણકર્તાઓ ક્રેટા કારમાં યુવતીને લઈ જતા દેખાય છે.
ખાટલામાં સૂતી વહુને જબરદસ્તી ઉઠાવી ગયા
મળતી માહિતી મુજબ, મોટેરાના ભીલવાસમાં રહેતા શારદાબેન નાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. શારદાબેનનો પુત્ર કમલેશ નોકરી પર ગયો હતો અને ઘરમાં માત્ર તેની પત્ની કોમલ અને સાસુ હાજર હતા. કોમલ જ્યારે ઘરમાં ખાટલામાં સૂતી હતી, ત્યારે અચાનક એક સફેદ કલરની ક્રેટા કાર ઘર પાસે આવીને ઉભી રહી. કારમાંથી 3 યુવકો અને 1 યુવતી નીચે ઉતર્યા અને સીધા ઘરમાં ઘૂસી ગયા હતા.
કોમલ કંઈ સમજે તે પહેલા જ આ ચારેય શખ્સોએ તેને પકડી લીધી હતી. કોમલે બૂમાબૂમ કરી હોવા છતાં, અપહરણકર્તાઓ તેને જબરદસ્તી ખેંચીને કારમાં બેસાડીને રફુચક્કર થઈ ગયા હતા.
બચાવવા ગયેલા સાસુને માર્યો ધક્કો
જ્યારે પુત્રવધૂને બચાવવા માટે સાસુ શારદાબેન વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓએ તેમને જોરથી ધક્કો મારી દીધો હતો. આરોપીઓએ શારદાબેનને ધમકાવતા કહ્યું હતું કે, “તમે અમારી વચ્ચે આવશો નહીં.” આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ આરોપીઓ ફિલ્મી સ્ટાઈલમાં કોમલનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
પૂર્વ પ્રેમી પર શંકાની સોય
આ મામલે પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણનો એંગલ સામે આવી રહ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, કોમલના અગાઉ બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા, પરંતુ મનમેળ ન રહેતા છૂટાછેડા થયા હતા. જોકે, કોમલને ગેવર ગુર્જન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. કમલેશ સાથે લગ્ન થયા બાદ પણ ગેવર અવારનવાર કોમલને હેરાન કરતો હતો. પરિવારનો આરોપ છે કે આ અપહરણ પાછળ ગેવર ગુર્જનનો જ હાથ છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે,,,ઘટનાના CCTV ફૂટેજ મેળવીને કારના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.આરોપી ગેવર ગુર્જન અને તેના સાગરીતોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.પ્રેમ સંબંધ અને જૂની અદાવતના એંગલથી પણ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. પીડિત પરિવાર હાલમાં ભયના ઓથાર હેઠળ છે અને પોલીસ પાસે તેમની વહુને હેમખેમ પરત લાવવાની માંગ કરી રહ્યો છે. ધોળા દિવસે થયેલી આ ઘટનાથી મોટેરા પંથકમાં ચકચાર મચી ગઈ છે.











