ગુજરાતમાં હજુ 7 દિવસ પડશે કાળઝાળ ગરમી, 13 જૂનથી વાતાવરણમાં આવશે મોટો પલટો, જાણો ક્યારે બેસશે ચોમાસું?

ગુજરાતમાં હજુ 7 દિવસ આકરી ગરમી પડશે. 13 જૂનથી વાતાવરણ પલટાશે. હવામાન વિભાગે લેટેસ્ટ ચોમાસાની તારીખો જાહેર કરી છે. જાણો તમારા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ.

ગાંધીનગર, રવિવાર
રાજ્યના લોકો અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 13 જૂન સુધી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હાલ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. જોકે, 13 જૂન પછી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ઉત્તર અને મધ્ય ગુજરાત કોરું રહેશે
દક્ષિણ ગુજરાતના લોકો માટે આગામી સમય થોડો ભારે રહી શકે છે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં આખું અઠવાડિયું વરસાદી માહોલ જળવાઈ રહેશે. પરંતુ તેની સામે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી અને ત્યાં હવામાન એકદમ સૂકું રહેશે. વરસાદની રાહ જોતા લોકો માટે એક રાહતના સમાચાર એ છે કે, અગાઉ હવામાન વિભાગે 40 થી 50 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની જે ચેતવણી આપી હતી, તે વાતાવરણમાં ફેરફાર થતાં હવે પાછી ખેંચી લેવામાં આવી છે.

કઈ તારીખે કયા જિલ્લામાં પડશે વરસાદ?
અહીં જાણો આગામી દિવસોમાં તમારા જિલ્લામાં વરસાદ પડશે કે કેમ:

8 અને 9 જૂન: નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ પડશે.
10 જૂન: નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી વાતાવરણ રહેશે.
11 જૂન: સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની એન્ટ્રી થશે.
12 જૂન: ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવના છે.
13 જૂન: ઉપરોક્ત તમામ જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદરમાં પણ વરસાદ દસ્તક દેશે.

દેશમાં 7 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા એ હવે જોરદાર સ્પીડ પકડી લીધી છે. હવામાન વિભાગના તાજા રિપોર્ટ મુજબ, 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસું બેસી ગયું છે (જે સામાન્ય રીતે 1 જૂને આવતું હોય છે, એટલે કે આ વખતે 3 દિવસ મોડું છે). કેરળમાં પહોંચ્યાના માત્ર 48 કલાકમાં જ ચોમાસું દેશના 7 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. આ સાથે જ ગોવા અને આંધ્રપ્રદેશમાં પણ તેની વ્યાપક અસર શરૂ થઈ ગઈ છે.

આગામી સપ્તાહે ક્યાં કેટલો વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને નોર્થ-ઈસ્ટ (પૂર્વોત્તર) ના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 7 થી 20 સેમી જેટલો જળબંબાકાર વરસાદ નોંધાઈ શકે છે. આગામી 2 થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશામાં આગળ વધે તેવી પૂરી શક્યતા છે.

કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું?
મહારાષ્ટ્ર: 5 થી 10 જૂન સુધી
ગોવા અને તેલંગાણા: 7 થી 8 જૂન સુધી
ગુજરાત: 20 જૂન સુધીમાં સંપૂર્ણ એન્ટ્રી
મધ્યપ્રદેશ, પૂર્વી યુપી અને બિહાર: 15 થી 20 જૂન સુધી
મધ્ય યુપી: 20 થી 25 જૂન સુધી
રાજસ્થાન: 25 થી 30 જૂન સુધી
દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ

ગુજરાતીઓ માટે આગામી એક સપ્તાહ ગરમી સહન કરવાનો વારો છે, પરંતુ 13 જૂન પછી ધીમે ધીમે રાજ્યભરમાં વાતાવરણમાં ઠંડક અને વરસાદી માહોલ જામતો જોવા મળશે. ખેડૂતો માટે પણ 20 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ થવાની ઉજળી તકો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!