બંગાળમાં એક્શન મોડમાં શુભેન્દુ સરકાર: 63 લાખ બોગસ રેશનકાર્ડ થશે રદ, જાણો કોને થશે સીધી અસર

પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે 63 લાખ નકલી રેશનકાર્ડ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. સાથે જ નવી અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. જાણો આ નવા ફેરફારોની સંપૂર્ણ માહિતી.

પશ્ચિમ બંગાળ, શનિવાર
પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવેલી મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકારે રાજ્યની તિજોરી પરનો આર્થિક બોજ ઘટાડવા અને અગાઉની સરકારમાં થયેલા ભ્રષ્ટાચારને ડામવા માટે કમર કસી લીધી છે. સરકારી યોજનાઓમાં ચાલતી ગેરરીતિઓને રોકવા માટે રાજ્ય સરકારે એક બહુ મોટું અને કડક પગલું ભર્યું છે.

ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની ખાદ્ય સાથી યોજના અંતર્ગત વર્ષોથી મફત અને સસ્તા અનાજનો લાભ લેતા નકલી અને અપાત્ર લાભાર્થીઓ પર હવે સીધી કાર્યવાહી થશે.

63 લાખ રેશનકાર્ડ થશે રદ
વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ મુજબ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યુ 2026ના રિપોર્ટને આધારે મોટી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ સમીક્ષા દરમિયાન મતદાર યાદીમાંથી જે 63 લાખ લોકોના નામ કમી કરવામાં આવ્યા છે, તેમના રેશનકાર્ડ હવે તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે.

CAA અરજદારોને મળી રાહત
આ કડક કાર્યવાહી વચ્ચે સરકારે એક માનવીય અભિગમ પણ દાખવ્યો છે. જે લોકોના નામ વોટર લિસ્ટમાંથી કપાઈ ગયા છે, પરંતુ તેમણે નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ નાગરિકતા મેળવવા અરજી કરી છે અથવા તો ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે, તેઓને ગભરાવવાની જરૂર નથી. જ્યાં સુધી તેમની અરજીનો અંતિમ ચુકાદો નહીં આવે, ત્યાં સુધી તેમના રેશનકાર્ડ ચાલુ જ રહેશે.

નવી અન્નપૂર્ણા યોજના અને 3000 રૂપિયાની સહાય
શુભેન્દુ સરકારે મહિલાઓ માટે અન્નપૂર્ણા યોજના નામની નવી સ્કીમ શરૂ કરી છે. આ માટે નવા ફોર્મ પણ બહાર પાડી દેવાયા છે. આ યોજના હેઠળ રાજ્યની 2 કરોડ મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની આર્થિક મદદ અપાશે. સરકારને આ યોજના પાછળ દર વર્ષે લગભગ 72,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અગાઉની TMC સરકારની લક્ષ્મી ભંડાર યોજના (જેમાં વાર્ષિક 30,000 કરોડનો ખર્ચ થતો હતો) માં આશરે 30 લાખ જેટલી અપાત્ર મહિલાઓ ખોટી રીતે લાભ લેતી હોવાની સરકારને શંકા છે.

કેવી રીતે થશે ચકાસણી?
રાજ્યની તિજોરી અત્યારે કપરા કાળમાંથી પસાર થઈ રહી છે, ત્યારે 15,000 કરોડ રૂપિયાનું ફંડ લીકેજ રોકવું સરકાર માટે અત્યંત જરૂરી છે. તમામ SDO અને BDO પોતપોતાના વિસ્તારના રદ થયેલા મતદારોનું લિસ્ટ ફૂડ ઇન્સ્પેક્ટર્સને આપશે. ત્યારબાદ અધિકારીઓ ઘરે-ઘરે જઈને રૂબરૂ તપાસ કરશે. આ સમગ્ર પ્રક્રિયા 15 જૂન 2026 સુધીમાં પૂરી કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

TMC સમયના ડાંગર કૌભાંડની પણ થશે તપાસ
ભાજપ સરકાર માત્ર રેશનકાર્ડ પૂરતી સીમિત નહીં રહે. અગાઉની સરકારના સમયમાં કાગળ પર જે 55 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી બતાવવામાં આવી હતી, તેની પણ ઊંડી તપાસ થશે. રાઇસ મિલોમાં મોકલાયેલી ડાંગર સામે ચોખા પાછા આવ્યા જ ન હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ખરેખર ખરીદી હતી કે માત્ર કાગળ પરનું કૌભાંડ, તે હવે બહાર આવશે.

હાલમાં કેન્દ્ર સરકાર બંગાળના 6.01 કરોડ લોકોને મફત અનાજ આપે છે. જ્યારે રાજ્ય સરકાર પોતાના તરફથી બીજા 2 કરોડ લોકોને આ લાભ આપે છે. હવે નવી સરકારની આ કડક તપાસથી સ્પષ્ટ થશે કે આ 2 કરોડ લોકોમાંથી ખરેખર કેટલા લોકો સાચા અને જરૂરિયાતમંદ છે. ડાંગર કૌભાંડ અને રેશનકાર્ડની આ સફાઈ ઝુંબેશ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારો લાવશે તે નિશ્ચિત છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!