દહેગામમાં યુવકના રહસ્યમય મોતથી ખળભળાટ: બુટલેગરોને નાથવા હવે સરપંચો બનશે પોલીસના ‘બાતમીદાર’, નવો પ્લાન ચર્ચામાં

દહેગામના વાસણા સોગઠીમાં બુટલેગરને ત્યાં ગયેલા યુવકનું શંકાસ્પદ મોત થતાં પોલીસ દોડતી થઈ છે. દારૂના દૂષણને ડામવા પોલીસે હવે સરપંચોનું WhatsApp ગ્રુપ બનાવી તેમને બાતમીદાર બનાવ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો.

દહેગામ, રવિવાર
દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં દેશી દારૂના દૂષણે એક યુવકનો ભોગ લીધો હોવાની શંકા છે. બુટલેગરના અડ્ડા પર દારૂ પીવા ગયેલા યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ સફાળી જાગેલી પોલીસે બુટલેગરોની માહિતી મેળવવા માટે એક નવો જ કીમિયો અપનાવ્યો છે, જેમાં હવે ગામના સરપંચોને જ પોલીસના ‘બાતમીદાર’ બનાવવામાં આવી રહ્યા છે.

શું છે સમગ્ર ઘટના?
વાસણા સોગઠી ગામના મોટાવાસમાં રહેતા સુરેશભાઈ દિલીપસિંહ ચૌહાણને દારૂ પીવાની ટેવ હતી. ગત 4 જૂનના રોજ રાત્રે આશરે 8:45 વાગ્યે ગામના જ એક દેશી દારૂના બુટલેગરે સુરેશભાઈના પરિવારને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે સુરેશભાઈ તેના ઘરે છે અને તેમને અહીંથી લઈ જાઓ. જોકે, માત્ર 10 મિનિટ પછી બુટલેગરે ફરી ફોન કરીને જણાવ્યું કે સુરેશભાઈ ત્યાંથી નીકળી ગયા છે. પરિવારજનો તાત્કાલિક બુટલેગરના અડ્ડા પર પહોંચ્યા, પરંતુ ત્યાં બુટલેગર કે સુરેશભાઈ બંનેમાંથી કોઈ હાજર ન હતું. આથી પરિવારની ચિંતા વધી ગઈ હતી.

2 કિલોમીટર દૂરથી મળી લાશ
રહસ્યમય રીતે ગુમ થયેલા સુરેશભાઈની પરિવારે ભારે શોધખોળ શરૂ કરી. આખરે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ, શિયાવાડા કુઈ ચોકડીથી ભાટઈ ગામ તરફ જતા રસ્તે ખાત્રીબાના ગરનાળા પાસે, આશરે 2 કિલોમીટર દૂર રોડની સાઈડમાંથી સુરેશભાઈની લાશ મળી આવી હતી.

પરિવારનો હત્યાનો આક્ષેપ અને પોલીસ તપાસ
લાશ મળતા જ ગામમાં હોબાળો મચી ગયો અને દહેગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો. જેને શાંત પાડવા અને સત્ય બહાર લાવવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

આ અંગે પીઆઈ મુકેશ દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “પરિવારના આક્ષેપને પગલે પેનલ પોસ્ટમોર્ટમ કરાયું છે. પ્રાથમિક તપાસમાં શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. મૃતક દારૂની ટેવ ધરાવતો હતો, તેથી બીમારીના કારણે મોત થયું હોવાની શક્યતા લાગી રહી છે.”

બુટલેગરોને પકડવા પોલીસની નવી સ્કીમ: સરપંચો બનશે બાતમીદાર
આ કેસની ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવાતા દહેગામ પોલીસ ભારે એક્શન મોડમાં આવી ગઈ છે. સ્થાનિક સ્તરે ફિલ્ડમાં રહેલી પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાથી, તેમણે એક નવો રસ્તો કાઢ્યો છે પોલીસે દહેગામના સરપંચોનું એક ખાસ WhatsApp ગ્રુપ બનાવ્યું છે. હવેથી ગામમાં ચાલતા દારૂના અડ્ડા અને બુટલેગરોની સચોટ બાતમી સરપંચોએ પોલીસને આપવાની રહેશે. પોલીસ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સીધો અંકુશ લાવવાને બદલે સરપંચોને માહિતી માટે આગળ કરી રહી છે.

પોલીસની આ નવતર સ્કીમથી હાલ તો તાલુકાના ગામડાઓમાં ચર્ચાનું બજાર ગરમ છે. બીજી તરફ, સરપંચો પણ મોટી અવઢવમાં મુકાઈ ગયા છે કે જો તેઓ બાતમી આપશે તો સીધી રીતે બુટલેગરો સાથે દુશ્મની થશે. હવે જોવું એ રહ્યું કે સરપંચો દ્વારા ચાલતું આ WhatsApp ગ્રુપ દહેગામમાંથી દારૂનું દૂષણ હટાવવામાં કેટલું કારગર સાબિત થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!