અમદાવાદમાં નકલી નોટોના મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, 28.94 લાખની ફેક કરન્સી સાથે 6 આરોપીઓ ઝડપાયા

અમદાવાદના વટવામાં પોલીસ અને LCBની ટીમે નકલી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. 28.94 લાખની 500ની નકલી નોટો સાથે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ, શનિવાર
અમદાવાદ શહેરમાંથી ક્રાઇમ જગતના એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના વટવા વિસ્તારમાં ધમધમતા એક નકલી ચલણી નોટોના કારખાના પર પોલીસે લાલ આંખ કરી છે. વટવા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-8 ની ટીમે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય કનેક્શન ધરાવતા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ દરોડામાં 28.94 લાખની કિંમતની નકલી નોટો જપ્ત કરી છે અને દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 6 લોકોની ધરપકડ કરી છે.

ફ્લેટમાં ચાલતું હતું 500ની નકલી નોટો છાપવાનું કારખાનું
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ ઈમરાન સબ્બીર સિંધા નામનો શખ્સ હતો. ઈમરાને માર્ચ મહિનાથી વટવા વિસ્તારમાં આવેલા ‘સતેજ હોમ્સ’માં એક મકાન ભાડે લીધું હતું. આ જ મકાનમાં કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય અત્યાધુનિક સાધનો ગોઠવીને 500 ના દરની નકલી નોટો છાપવાનું મિની કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસને પુરાવા મળ્યા છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે 60 લાખની કિંમતની નકલી નોટો છાપી નાખી હતી.

મુખ્ય આરોપીના મોતથી આવ્યો નવો વળાંક
આ કેસમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઈમરાન સિંધાનું અચાનક કોઈ કારણોસર મોત નીપજ્યું. બોસના મોત બાદ પોલીસ પકડી લેશે તેવા ડરથી ગેંગના અન્ય સાગરીતો નોટો છાપવાના મશીનો, કમ્પ્યુટર અને તૈયાર કરેલી નકલી નોટો લઈને અલગ-અલગ રાજ્યોમાં ફરાર થઈ ગયા હતા. જોકે, વટવા પોલીસે તાત્કાલિક ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની યાદી:
આ આંતરરાજ્ય રેકેટમાં પોલીસે નીચે મુજબના 6 આરોપીઓની ધરપકડ કરી છે:

સૂરજ સહાની (ઉંમર 20 વર્ષ, મૂળ રહેવાસી: બિહાર)
રવિકુમાર શાહ (ઉંમર 23 વર્ષ, મૂળ રહેવાસી: બિહાર)
વિરુ બઘેલ (ઉંમર 25 વર્ષ, મૂળ રહેવાસી: ઉત્તર પ્રદેશ)
ચંદ્રમોહન શર્મા (ઉંમર 23 વર્ષ, મૂળ રહેવાસી: ઉત્તર પ્રદેશ)
મેરાજ રબારી (ઉંમર 49 વર્ષ, મૂળ રહેવાસી: બનાસકાંઠા, ગુજરાત)
આ ઉપરાંત એક સગીર ની પણ અટકાયત કરવામાં આવી છે.

આરોપીઓનો જૂનો ગુનાઈત ઈતિહાસ
આ ટોળકી માટે નકલી નોટોનો કાળો કારોબાર નવો ન હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે મૃતક ઈમરાન સિંધા અગાઉ સુરતમાં પણ નકલી નોટોના કેસમાં પકડાઈ ચૂક્યો હતો. જ્યારે બનાસકાંઠાનો 49 વર્ષીય મેરાજ રબારી પણ અગાઉ ફેક કરન્સીના ગુનામાં કોર્ટ દ્વારા દોષિત સાબિત થયેલો છે.

બજારમાં કેટલી નકલી નોટો ઘૂસાડી?
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ 500 ની નકલી નોટો છાપીને સામાન્ય વેપારીઓ અને અજાણ્યા લોકો મારફતે અસલી નોટ તરીકે બજારમાં વટાવી દેતા હતા. હાલમાં પોલીસ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી છે. આ ઉપરાંત આ નેટવર્કના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે અને તેમને કોણ કોણ મદદ કરી રહ્યું હતું, તેની પણ ઊંડી તપાસ ચાલી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!