અમદાવાદના શાંતિપુરાથી ગાંધીનગર જઈ રહેલી કોંગ્રેસ અને ખેડૂતોની 1111 ટ્રેક્ટર રેલીને પોલીસે JCB મૂકીને અટકાવતા ભારે હોબાળો. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારની નીતિઓને ગણાવી હિટલરશાહી.

ગાંધીનગર, સોમવાર
ભાજપ સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે આજે (15 જૂન) અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી ખેડૂતોની એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ 1111 ટ્રેક્ટરો સાથે નીકળેલી આ રેલીમાં રાજ્યભરના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. જોકે, આ રેલી ગાંધીનગર પહોંચે તે પહેલાં જ પોલીસ અને ખેડૂતો વચ્ચે મોટું ઘર્ષણ જોવા મળ્યું છે.
પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, રસ્તા પર મૂકાયા JCB
વહીવટી તંત્ર દ્વારા આ ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ તરફથી આદેશ હતો કે આ રેલી માત્ર ઓગણજ પાસે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી જ જઈ શકશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. પરંતુ ખેડૂતો પોતાની માંગ પર અડગ હતા.
ગાંધીનગર તરફ આગળ વધી રહેલા ખેડૂતોને અટકાવવા માટે પોલીસે અધવચ્ચે જ રસ્તા પર JCB મશીનો મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસની આ દમનકારી કાર્યવાહીથી ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા અને સ્થળ પર જ ભારે હોબાળો મચી ગયો હતો. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, “અમે ઓગણજ સભામાં નહીં જઈએ, અમે તો ગાંધીનગર જઈને જ રહીશું.”
શા માટે થઈ રહ્યો છે આ ઉગ્ર વિરોધ?
સરકારની આયોજન વગરની અને ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર જગતનો તાત કહીને ખેડૂતોને માત્ર લાત મારવાનું કામ કરે છે. ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને પોલીસ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીઓની લાઈનો નખાવી રહ્યા છે, જેનો મુખ્ય વિરોધ છે.
સાંસદ ગેનીબેન ઠાકોરના સરકાર પર આકરા પ્રહાર
આ રેલી દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લેતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત રસ્તા પર આવી ગયો છે. ખેડૂતોની સહનશીલતાની હદ હવે વટાવી ચૂકી છે. મોરબીમાં મહિલાઓ પર પોલીસે જે રીતે લાઠીચાર્જ કર્યો હતો, તે હિટલરશાહી કરતા પણ ખરાબ છે.”
તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું કે, બંધારણમાં સૌને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો અધિકાર છે. પરંતુ જો સરકાર દાદાગીરી કરીને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરશે, તો આવનારા સમયમાં ગુજરાતમાં પણ નેપાળ જેવી સ્થિતિ સર્જાતા વાર નહીં લાગે. કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનું ફંડ લઈને ખેડૂતોને હેરાન કરવાનું બંધ થવું જોઈએ. ખેડૂતોના નુકસાનના ભોગે થતો વિકાસ અમને મંજૂર નથી.
રેલીમાં કયા કયા નેતાઓ છે સામેલ?
આ ખેડૂત અધિકાર રેલીમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, જયેશ પટેલ અને મહેશ રાજકોટિયા જેવા નેતાઓ આયોજન અને સંકલનની જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી આ રેલીને સંબોધિત કરશે.
હાલમાં શાંતિપુરાથી ઓગણજ વચ્ચેના વિસ્તારમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે તંગદિલીભર્યો માહોલ છે. જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો કોંગ્રેસ અને ખેડૂત સંગઠનોએ આ આંદોલનને વધુ જલદ બનાવવાની ચીમકી આપી છે. વાટાઘાટો અને ઘર્ષણ વચ્ચે હવે જોવાનું એ રહે છે કે ખેડૂતો ગાંધીનગર પહોંચવામાં સફળ રહે છે કે નહીં.











