ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને IPS કેડરમાં બઢતી: હાઈકોર્ટના વેધક સવાલ બાદ DCP નકુમના પ્રમોશનથી ભારે ચર્ચા

કેન્દ્ર સરકારે ગુજરાત પોલીસના 6 અધિકારીઓને IPS કેડરમાં બઢતી આપી છે. જેમાં સુરત ડિમોલિશન કેસમાં હાઈકોર્ટના સવાલોનો સામનો કરી રહેલા DCP નકુમનું નામ પણ સામેલ થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાત, ગુરુવાર
ગુજરાત પોલીસ વિભાગ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર દિલ્હીથી આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ગુજરાત પોલીસ સેવાના 6 સિનિયર અધિકારીઓને મોટી ભેટ આપી છે. આ તમામ અધિકારીઓને પ્રમોશન આપીને સીધા જ ભારતીય પોલીસ સેવા એટલે કે IPS કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂક ‘સિલેક્ટ લિસ્ટ 2025’ અંતર્ગત કરવામાં આવી છે. જે અધિકારીઓને આ બઢતી મળી છે તેમના નામ નીચે મુજબ છે.

રાજદીપસિંહ એન. નકુમ

ભરતકુમાર બી. રાઠોડ

પ્રફુલ વી. વાણિયા

રાજેશકુમાર ટી. પરમાર

કલ્પેશકુમાર એમ. ચાવડા

રાકેશ ડી. દેસાઈ

આનંદના આ સમાચાર વચ્ચે આખા લિસ્ટમાં એક નામ એવું છે જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, અને તે છે સુરતના DCP રાજદીપસિંહ નકુમ. થોડા સમય પહેલા જ સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે વહીવટીતંત્રની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતા સીધો સવાલ કર્યો હતો કે આ સમગ્ર કાર્યવાહી વખતે DCP નકુમ ત્યાં કેમ હાજર હતા?

આશ્ચર્યની વાત એ છે કે, જે અધિકારીની હાજરી સામે ખુદ હાઈકોર્ટ પ્રશ્નો પૂછી રહી હોય, તેમને આ સવાલના માંડ 7 જ દિવસમાં સરકાર તરફથી સીધું IPS નું પ્રમોશન આપી દેવામાં આવ્યું. શંકાના ઘેરામાં હોવા છતાં આટલી ઝડપથી બઢતી મળતા સિસ્ટમની કામગીરી સામે લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

નિયમોની વાત કરીએ તો ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ નિમણૂકો ફાઇનલ કરવામાં આવી છે. ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ (પ્રોબેશન) રૂલ્સ, 1954’ હેઠળ આ છએય અધિકારીઓ અત્યારે 1 વર્ષ માટે પ્રોબેશન પિરિયડ પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓએ નિયમ મુજબની ફરજિયાત ઇન્ડક્શન ટ્રેનિંગ પૂરી કરવાની રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!