NEET પેપર લીક અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓએ PM આવાસ સુધી વિરોધ માર્ચ કાઢી ધરણા કર્યા.

નીટ (NEET) પરીક્ષા પેપર લીક કૌભાંડ સામે સોમવારે (20 જુલાઈ, 2026) કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંસદ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જનો મુદ્દો ગરમાયો છે. આ ઘટનાના વિરોધમાં મંગળવારે (21 જુલાઈ, 2026) કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ નવો મોરચો ખોલ્યો છે.
રાહુલ અને પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં PM આવાસ કૂચ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની આગેવાનીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ વિરોધ માર્ચ યોજી હતી. આ માર્ચ દ્વારા કોંગ્રેસે વિદ્યાર્થીઓ પરના દમન અને પેપર લીક મામલે સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.
PM આવાસ બહાર દિગ્ગજ નેતાઓના ધરણા અને સૂત્રોચ્ચાર
કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન આવાસની બહાર જ જમીન પર ધરણા પર બેસી ગયા હતા. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, રણદીપ સુરજેવાલા સહિત અનેક સાંસદો સામેલ થયા હતા. નેતાઓએ ‘વડાપ્રધાન રાજીનામું આપો’ અને ‘નરેન્દ્ર મોદી ડાઉન-ડાઉન’ ના જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
કેસી વેણુગોપાલનો અનોખો વિરોધ
વિરોધ પ્રદર્શન દરમિયાન એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ વડાપ્રધાન આવાસની બહાર રસ્તા પર જમીન પર સૂઈ જઈને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આ આક્રમક વલણથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.










