દહેગામના વેપારી સાથે વિદેશથી એલ્યુમિનિયમ સ્ક્રેપ મંગાવવાના નામે રૂપિયા 2.22 કરોડની છેતરપિંડી આચરનાર 4 શખ્સો સામે ગુનો દાખલ.

દહેગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ‘ગણેશ ઇંડક્ટો કાસ્ટ એલએલપી’ના સંચાલક પ્રવિણભાઈ પટેલ સાથે વર્ષ 2019માં સંપર્કમાં આવેલા નીરજ રામાવતાર નામના સેલ્સમેને અમેરિકા અને દુબઈથી સરળતાથી એલ્યુમિનિયમ સ્ક્રેપ આયાત કરાવી આપવાની લાલચ આપી હતી. ભોગ બનનારનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધા બાદ નીરજે સુનિયોજિત રીતે પોતાના સાગરીત અભિષેક ત્રિપાઠીને પ્રવિણભાઈની જ પેઢીમાં મેનેજર તરીકે ગોઠવી દીધો હતો.
બોગસ કંપની સાથે ડીલ અને કરોડોનું પેમેન્ટ
ત્યારબાદ આરોપીઓએ મધ્યપ્રદેશના રેવા ખાતે માત્ર રૂપિયા 20 હજારની નજીવી મૂડી ધરાવતી અને તાજેતરમાં બનેલી ‘A.K. ટ્રેડિંગ એન્ટરપ્રાઇઝ’ના સંચાલકો સાથે વેપારીનો સંપર્ક કરાવી 2022માં માલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ કરાવ્યો હતો. આ ડીલ હેઠળ દુબઈની જાણીતી ફર્મના નામે ખોટા ઇન્વોઇસ, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન સહિતના નકલી શિપિંગ પેપર્સ બનાવીને વેપારી પાસેથી બેંક ટ્રાન્સફર તેમજ ફોરેન પેમેન્ટ દ્વારા કટકે-કટકે રૂપિયા 2.22 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી.

કન્ટેનરોની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ
વિદેશથી આવેલા કન્ટેનરો મુંદ્રા બંદરેથી સાણંદ જીઆઈડીસી સ્થિત ડેપો ખાતે પહોંચ્યા હતા, પરંતુ માલના મૂળ દસ્તાવેજો ન મળતાં વેપારીને શંકા ગઈ હતી. આ મામલે હાઈકોર્ટના દરવાજા ખટકાવાતાં, કોર્ટના નિર્દેશ હેઠળ 15 જાન્યુઆરી 2025ના રોજ કસ્ટમ્સ અધિકારીઓ અને નિષ્ણાતોની હાજરીમાં કન્ટેનરોની ટેકનિકલ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એલ્યુમિનિયમના નામે મોકલાયેલા કન્ટેનરોમાંથી 98 ટકાથી વધુ લોખંડ, માટી અને બિનઉપયોગી કચરો મળી આવતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય ફ્રોડનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે દહેગામ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











