કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીના નેતૃત્વવાળા ટીએમસી જૂથને રાહત આપતા પક્ષના ત્રણ બેંક ખાતાઓના સંચાલન માટેની વચગાળાની વ્યવસ્થાને ૨૯ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવી છે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બે જૂથો વચ્ચે પક્ષના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને ચાલી રહેલી રાજકીય અને કાનૂની લડાઈ વચ્ચે મમતા બેનર્જીના જૂથને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જી જૂથ દ્વારા ટીએમસીના ત્રણ બેંક ખાતાઓના સંચાલન કરવા માટેની વચગાળાની વ્યવસ્થાને આગામી સમય સુધી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટના આદેશની મુખ્ય બાબતો
-
પેટાચૂંટણીઓ પૂરતો મર્યાદિત ફેરફાર: અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિહ્નમાં કરવામાં આવેલો ફેરફાર માત્ર આગામી પેટાચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત છે. તેથી હાલ પૂરતો તે બેંક ખાતાઓના નાણાકીય સંચાલનને લાગુ પડશે નહીં.
-
બેંક ખાતાના સંચાલનની મુદત લંબાઈ: નવા આદેશ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના ત્રણ બેંક ખાતાઓના સંચાલન માટેની વચગાળાની વ્યવસ્થાને ૨૯ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળા જૂથના કોઈપણ બે અધિકૃત પ્રતિનિધિઓને આ બેંક ખાતાઓના ચેક પર સહી કરવાની મંજૂરી આપવામાં આવશે.
-
વિશેષ અધિકારીની મંજૂરી અનિવાર્ય: કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા વિશેષ અધિકારી અને ભૂતપૂર્વ ન્યાયાધીશ સુબ્રત તાલુકદાર આ ચેકની ચકાસણી કરશે. આ વિશેષ અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ બેંક દ્વારા ભંડોળ મુક્ત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીએમસીના ત્રણ બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેના વિવાદને પગલે આ મામલો સૌપ્રથમ જુલાઈ મહિનામાં જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની બેંચ સમક્ષ આવ્યો હતો.











