CDSCO દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર્સ (NSAIDs) જેવી દવાઓનો અંધાધૂંધ ઉપયોગ અટકાવવા માટે હવે તેનું વેચાણ માત્ર ડૉક્ટરની સલાહ મુજબ જ થઈ શકશે.

દુખાવાની દવાઓ (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના અંધાધૂંધ અને બેફામ ઉપયોગને રોકવા માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ના ન્યૂ ડ્રગ્સ ડિવિઝન દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેશમાં તમામ પ્રકારની દવાઓનું આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણ ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, ૧૯૪૦ અને તેના નિયમો અનુસાર જ નિયંત્રિત થાય છે.
તબીબી સલાહ વિના દવાઓના વેચાણ પર નિયંત્રણ
-
ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય: સરકારના નિર્દેશાનુસાર, NSAIDs (પેઇનકિલર્સ) અને એન્ટિબાયોટિક્સ જેવી ગંભીર અસરો ધરાવતી દવાઓનું વેચાણ અને વિતરણ માત્ર અને માત્ર રજિસ્ટર્ડ તબીબી વ્યાવસાયિક (ડૉક્ટર) અથવા અધિકૃત નિષ્ણાતની સલાહથી જ થવું જોઈએ.
-
ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ હેઠળ નિયંત્રણ: દવાઓના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્ય પર થનારા સંભવિત જોખમો અને આડઅસરોને ધ્યાનમાં રાખીને આ દવાઓને ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ ના નિયમો હેઠળ આવરી લેવામાં આવી છે, જેના માટે યોગ્ય તબીબી દેખરેખ અત્યંત જરૂરી છે.











