મહારાષ્ટ્રના રાયગઢમાં દીવાગરી બીચ પર પિકનિક માટે ગયેલા પુણેના ‘વિનર્સ એકેડમી’ના ૮ વિદ્યાર્થીઓનું દરિયામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ભારે શોધખોળ બાદ તમામના મૃતદેહ મળી આવ્યા છે.

મહારાષ્ટ્રના રાયગઢમાં ગુરુવારે એક પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે દીવેઆગર બીચ પર સમુદ્રમાં 8 વિદ્યાર્થીઓ ડૂબી જતા મૃત્યુ પામ્યા. તમામના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીઓ પુણેની એક કોચિંગ ક્લાસમાંથી ફરવા ગયા હતા. આ ઘટનાથી મૃતક બાળકોના માતાપિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પુણેથી પિકનિકમાં આવ્યું હતું ગ્રુપ
પોલીસની માહિતી મુજબ આ ગ્રુપ પુણે જિલ્લાના અલંદી સ્થિત પ્રાઈવેટ કોચિંગ ક્લાસ વિનર્સ એકેડમીનું હતું. વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા હતા. કુલ 48 લોકો પિકનિક માટે દીવેઆગર બીચ પહોંચ્યા હતા, જેમાં 25 છોકરા, 17 છોકરી અને 6 શિક્ષકો હતા. આ વિસ્તાર મુંબઈથી આશરે 170 કિમી દૂર છે અને આ સમુદ્રતટ ઐતિહાસિક મંદિરો માટે પણ જાણીતો છે.
ઊંડાઈનો અંદાજ ન રહ્યો
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ગ્રુપમાંથી 8 વિદ્યાર્થીઓ સમુદ્રમાં ઉતર્યા હતા. તેમને પાણીની ઊંડાઈનો કોઈ અંદાજ ન હતો અને દરિયાના મોજાનો યોગ્ય અંદાજ લગાવી શક્યા ન હતા. તેઓ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.










