ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં કોંગ્રેસે 10 હજાર બેરોજગારોને રોજગાર આપવાની ગેરંટી સહિતના વચનો સાથે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપ પ્રવક્તા ડો. અનિલ પટેલે તેને હાસ્યાસ્પદ અને જનતાને ગેરમાર્ગે દોરનારો ગણાવી સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસે જાહેર કરેલા મેનિફેસ્ટોને લઈને ભાજપે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં ગાંધીનગરના 10 હજાર બેરોજગારોને રોજગાર આપવાની ગેરંટી સહિત વિવિધ વચનો આપ્યા છે.
“મેનિફેસ્ટો હાસ્યાસ્પદ”
ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે કોંગ્રેસના મેનિફેસ્ટોને હાસ્યાસ્પદ અને જનતાને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો. તેમણે સવાલ કર્યો કે ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 10 હજાર કર્મચારીઓનું મહેકમ પણ નથી, તો કોંગ્રેસ 10 હજાર નોકરી આપવાની વાત કેવી રીતે કરી શકે?
તેમના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકાના ક્ષેત્રાધિકારમાં ન આવતી બાબતોને પણ કોંગ્રેસે મેનિફેસ્ટોમાં સામેલ કરી છે. તેમણે કોંગ્રેસના અગાઉના કામકાજ અંગે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે યુવાનો તથા શિક્ષિત વર્ગને આવા વચનોથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
‘ઝીરો ટોલરન્સ’ પર પણ સવાલ
ભાજપ પ્રવક્તાએ કોંગ્રેસના ‘ઝીરો ટોલરન્સ’ના વચન અંગે પણ સવાલ કર્યા. તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના શાસનકાળનો ઉલ્લેખ કરી આક્ષેપ કર્યો કે અગાઉની કામગીરી જોતાં કોંગ્રેસના વચનો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.










