દહેગામના દાનાજીની મુવાડામાં પતિ કામે ન જતા હોવાના ઝઘડામાં પત્નીએ પોતાના ૩ વર્ષના માસૂમ પુત્ર સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દેવકરણના મુવાડા ગામના દાનાજીની મુવાડામાં એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. તારીખ 02/11/2026 ના રોજ સવારે 09:30 વાગ્યાની આસપાસ એક માતાએ પોતાના 3 વર્ષના માસૂમ પુત્ર સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
આ અંગેની પોલીસ ફરિયાદ મૃતક ભગવતીબેનના નાની બહેન ગંગાબેન નૈનેશ રાઠોડે નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભગવતીબેનના પતિ નિકુલસિંહ ઝોમેટોમાં કામ કરે છે, પરંતુ દિવાળીના તહેવારો હોવા છતાં તેઓ 2 દિવસથી કામે ગયા ન હતા. આ બાબતે સવારે 08:00 વાગ્યે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ભગવતીબેને ગુસ્સામાં કહ્યું હતું કે, જો તમે કામે નહી જાઓ તો હું અને મારો દીકરો શું ખાઈશું, તેના કરતા તો મારે મારા દીકરાને સાથે લઇ મરી જવું સારું. આ ઘટના બાદ સવારે 09:00 વાગ્યે ભગવતીબેન પોતાના 3 વર્ષના દીકરા પ્રિંસરાજને લઈને ઘરની પાછળ આવેલા તળાવ પાસે કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યા હતા. અડધો કલાક થવા છતાં તેઓ પરત ન ફરતા ગંગાબેન તેમને શોધવા ગયા હતા. ત્યાં તળાવ નજીક બાવળના ઝાડ પર ભગવતીબેન અને તેમના પુત્ર પ્રિંસરાજ સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા અને લાશોને નીચે ઉતારી પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને મૃતદેહોને દહેગામ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










