વનકર્મીઓની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલનનો અંત લાવવા સરકાર અને કર્મચારી એસોસિએશન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે. વનકર્મીઓની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલનનો અંત લાવવા સરકાર અને કર્મચારી એસોસિએશન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
સરકાર સાથેની બેઠક બાદ આંદોલન સમેટવાનો નિર્ણય
બેઠકમાં કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવતાં કર્મચારી મંડળે આંદોલન સમેટવાની સંમતિ આપી છે.
આ નિર્ણયથી વન વિભાગના કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તમામ માંગણીઓનો ઉકેલ આવી ગયો છે કે કેમ તે અંગે હજુ વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બાકી પ્રશ્નોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કેટલીક માંગણીઓના નિરાકરણ માટે સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગની મંજૂરી જરૂરી છે. તેથી નિયમોનુસાર પ્રક્રિયા પૂર્ણ કરીને બાકી પ્રશ્નોનો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે.
વનકર્મીઓની કામગીરીને બિરદાવવામાં આવી
મંત્રીશ્રીએ વનપાલ અને બીટગાર્ડની સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે વનકર્મીઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યજીવોની સુરક્ષા માટે રાત-દિવસ ફરજ બજાવે છે.તેમની મહેનતના કારણે રાજ્યની વનસંપદા અને વન્યજીવોનું રક્ષણ શક્ય બન્યું છે. સરકાર કર્મચારીઓના હિત અને પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું.










