ઉત્તરાખંડમાં ગુજરાતના શ્રદ્ધાળુઓની ઈનોવા ભાગીરથી નદીમાં ખાબકી: 4નાં મોત, 1 ઘાયલ અને 2 લાપતા

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક એક ઈનોવા કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં ખાબકી હતી

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક એક ઈનોવા કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં ખાબકી હતી. ત્યારબાદ કાર ભાગીરથી નદીમાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. અન્ય બે મુસાફરો લાપતા હોવાની આશંકા છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, કારમાં ગુજરાતના મુસાફરો સવાર હતા. તેઓ ગંગોત્રી ધામનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. જોકે, મુસાફરો અમદાવાદના સાબરમતી વિસ્તારના રહેવાસી હોવાની માહિતીની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

ગંગનાની નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

આ દુર્ઘટના ગંગનાની ધર્મકુંડથી આશરે 20 મીટર આગળ ડબરાની તરફ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઈનોવા કાર અચાનક કાબૂ બહાર ગઈ હતી. ત્યારબાદ તે ઊંડી ખાઈમાં પડતાં સીધી નદીમાં ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને 108 ઇમરજન્સી સેવાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન નદીના કિનારેથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. એક ઘાયલ વ્યક્તિને પણ બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

લાપતા બે મુસાફરોની શોધખોળ તેજ

અકસ્મતાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. નદીના તેજ પ્રવાહને કારણે શોધખોળમાં મુશ્કેલીઓ પડી રહી છે. વોટર પોલીસ અને ડાઇવર્સની મદદથી લાપતા મુસાફરોની શોધ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત, બચાવ કામગીરીમાં મદદ માટે મનેરાથી NDRFની 27 સભ્યોની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પોલીસ અને SDRFની ટીમો સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ગુજરાતમાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ

અકસ્મતમાં સામેલ મુસાફરો ગુજરાતના હોવાનું સામે આવતાં રાજ્યમાં પણ ચિંતા ફેલાઈ છે. વહીવટી તંત્ર મુસાફરોની ઓળખ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કામગીરી કરી રહ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!