પંચમહાલના મોરવા હડફમાં ગમખ્વાર અકસ્માત: ઈકો કાર અને બાઈક વચ્ચે સામસામે ટક્કર, ત્રણ યુવાનોના મોત

મોરવા હડફથી સંતરામપુરને જોડતા મુખ્ય હાઈવે પર આગરવાડા ગામની સીમ નજીક ઈકો કાર અને મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોરવા હડફથી સંતરામપુરને જોડતા મુખ્ય હાઈવે પર આગરવાડા ગામની સીમ નજીક ઈકો કાર અને મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય યુવાનોના મોત નીપજ્યાં છે.

પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય મૃતકો મોરવા હડફ તાલુકાના ડોળી ગામના રહેવાસી હતા. તેઓ બાઈક પર પોતાના કામકાજ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન આગરવાડા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ઈકો કાર સાથે તેમની બાઈક અથડાઈ હતી.

ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક અને ઈકો કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને અન્ય વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્મતમાં બાઈક પર સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, ત્રણેયના મોત થયાં હતાં. આ ઘટનાને પગલે ડોળી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

મોરવા હડફ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ મોરવા હડફ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને બંને વાહનોની ગતિ સહિતની વિગતો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ડોળી ગામમાં શોકનો માહોલ

એક જ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત થતાં ડોળી ગામમાં શોકનો માહોલ છવાયો છે. ત્રણ પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માતની ચોક્કસ વિગતો અને મૃતકોની ઓળખ અંગે પોલીસની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!