ઈન્દુશેખર નામના કેબ ડ્રાઈવરે કૌટુંબિક વિવાદને પગલે પોતાની પત્ની સહિત સાસરી પક્ષના સાત સભ્યોની હત્યા કરી હોવાનો પોલીસ સમક્ષ દાવો કર્યો છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી સામૂહિક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઈન્દુશેખર નામના કેબ ડ્રાઈવરે કૌટુંબિક વિવાદને પગલે પોતાની પત્ની સહિત સાસરી પક્ષના સાત સભ્યોની હત્યા કરી હોવાનો પોલીસ સમક્ષ દાવો કર્યો છે. મૃતકોમાં સાત વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. જોકે, આરોપીએ કરેલા દાવાની ખરાઈ અને સમગ્ર ઘટનાક્રમની તપાસ હજુ ચાલુ છે. અત્યાર સુધી પોલીસને નંદી હિલ્સ નજીકથી એક બાળકનો મૃતદેહ મળ્યો છે. અન્ય મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે.
કૌટુંબિક વિવાદ હત્યાકાંડનું કારણ હોવાની આશંકા
પ્રાથમિક તપાસ મુજબ, ઈન્દુશેખર અને તેની પત્ની સુનીતા વચ્ચે લાંબા સમયથી કૌટુંબિક બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસને આશંકા છે કે પત્ની પોતાના પિયરનાં સભ્યો સાથે સતત સંપર્કમાં રહેતી હોવાને લઈને આરોપી નારાજ હતો.
આ વિવાદને કારણે તેણે આટલું મોટું પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યાઓ પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
મૃતકોમાં પત્ની, સાસુ અને સાળા-સાળીનો સમાવેશ
પોલીસ અને મીડિયા અહેવાલો અનુસાર, આરોપીએ સાત લોકોની હત્યા કરી હોવાનો દાવો કર્યો છે. મૃતકોની ઓળખ નીચે મુજબ જણાવવામાં આવી છે:
- સુનીતા – આરોપીની પત્ની
- રૂપાવતી – આરોપીની સાસુ
- શિવકુમાર – સાળો
- શંકર – સાળો
- દિવ્યા – સાળી
- નલિની – સાળી
- પુનીત – શંકરનો સાત વર્ષનો પુત્ર
આ તમામ લોકો આરોપીની પત્નીના પરિવાર સાથે સંબંધ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
પાર્ટીના બહાને સાળાઓને ઘરે બોલાવ્યા હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીએ સૌથી પહેલાં પોતાની પત્નીની હત્યા કરી હોવાની આશંકા છે. ત્યારબાદ તેણે બંને સાળાઓને પાર્ટીના બહાને પોતાના ઘરે બોલાવ્યા હતા.
પોલીસને શંકા છે કે ત્યારબાદ તેણે બંને સાળાઓ, તેમની પત્નીઓ, પોતાની સાસુ અને સાત વર્ષના બાળકની પણ હત્યા કરી હતી. આ હત્યાઓમાં પથ્થરનો ઉપયોગ થયો હોવાની પણ પોલીસને આશંકા છે.
મૃતદેહો અલગ-અલગ સ્થળે ફેંક્યાની શંકા
તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, આરોપીએ મૃતદેહોને પોતાની કારમાં લઈ જઈને અલગ-અલગ સ્થળોએ ફેંક્યા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે લોહીના ડાઘ સાફ કરવા અને પુરાવા નષ્ટ કરવા માટે રસાયણોનો ઉપયોગ થયો હોવાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જોકે, આ તમામ વિગતોની પોલીસ દ્વારા હજુ ખરાઈ કરવામાં આવી રહી છે.
નંદી હિલ્સ નજીકથી સાત વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો
શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ઈન્દુશેખરે વિરોધાભાસી નિવેદનો આપતાં પોલીસને શંકા ગઈ હતી.ત્યારબાદ પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો હતો. નંદી હિલ્સની તળેટી નજીક લગભગ ચાર કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં સાત વર્ષના પુનીતનો મૃતદેહ મળી આવ્યો હતો.










