દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં બેંકિંગ કટોકટીએ મોટું રાજકીય સંકટ ઊભું કર્યું છે. ડિજિટલ બેંક Ueno Bankની કામગીરી ઠપ થતાં લાખો ગ્રાહકોની બચત અને નાણાં ફસાઈ ગયાં છે.

દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં બેંકિંગ કટોકટીએ મોટું રાજકીય સંકટ ઊભું કર્યું છે. ડિજિટલ બેંક Ueno Bankની કામગીરી ઠપ થતાં લાખો ગ્રાહકોની બચત અને નાણાં ફસાઈ ગયાં છે. આ ઘટનાની અસર હવે દેશના રાજકારણ પર પણ જોવા મળી છે. બેંક સાથે જોડાયેલા વિવાદો વચ્ચે રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને મહાભિયોગની કાર્યવાહી દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે.
સેનેટમાં પેનાને પદભ્રષ્ટ કરવાના પ્રસ્તાવના સમર્થનમાં 44 સભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ સરકારી અભિયોજકના આદેશથી તેમને તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી પેરાગ્વેમાં સત્તા પરિવર્તન પણ થયું છે. પૂર્વ ઉપપ્રમુખ પેડ્રો અલિયાનાએ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.
Ueno Bank કટોકટીથી લાખો ગ્રાહકોની બચત ફસાઈ
પેરાગ્વેની ડિજિટલ બેંક Ueno Bank સામે નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ કેન્દ્રીય બેંકે હસ્તક્ષેપ કર્યો હતો. બેંક જરૂરી ન્યૂનતમ નાણાકીય સદ્ધરતાના માપદંડોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હોવાનો અહેવાલ છે.
બેંકની કામગીરી અટકતાં લાખો ગ્રાહકોને પોતાના ખાતામાંથી નાણાં ઉપાડવામાં મુશ્કેલી પડી છે. બેંકમાં સરકારી નાણાં અને પેન્શન ફંડની રકમ પણ જમા હોવાના કારણે કટોકટી વધુ ગંભીર બની છે. અહેવાલો મુજબ, Ueno Bankના આશરે 30 લાખ ગ્રાહકો હતા.
પોતાની જ પાર્ટીના સાંસદોએ પેનાની વિરુદ્ધ મત આપ્યો
રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પર હિતોના ટકરાવ, નિયમનકારી વ્યવસ્થામાં દખલગીરી અને પેન્શન ફંડની રકમના ઉપયોગ અંગે ગંભીર આરોપો લાગ્યા હતા. બેંકની કટોકટીમાં સરકારી સંસ્થાઓની ભૂમિકા અને હકીકતો છુપાવવાના આક્ષેપોની પણ તપાસ થઈ રહી છે.
ખાસ વાત એ છે કે પેનાની પોતાની કોલોરાડો પાર્ટીના કેટલાક નેતાઓ અને સાંસદોએ પણ તેમને પદ પરથી હટાવવાની કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. પેનાએ અગાઉ રાજીનામું આપવાની ઓફર કરી હતી. જોકે, સાંસદોએ રાજીનામું સ્વીકારવાને બદલે મહાભિયોગની કાર્યવાહી આગળ વધારી હતી.
આ કાર્યવાહીથી પેનાને પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે મળતું આજીવન સેનેટ સભ્યપદ અને કાનૂની રક્ષણ પણ ગુમાવવું પડ્યું છે. પેનાએ પોતાની સામેના ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા છે.
પેનાની નજરકેદ, હવે ફોજદારી તપાસનો સામનો
પદ પરથી હટાવ્યા બાદ પેરાગ્વેના સરકારી અભિયોજકોએ સેન્ટિયાગો પેનાની ધરપકડનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પોલીસ તેમને તેમના નિવાસસ્થાને નજરકેદમાં રાખ્યા છે.
અભિયોજક સિલ્વિયા માર્ગરિટા ગોન્ઝાલેઝ વેસ્ટરના જણાવ્યા મુજબ, પેનાની દેશના આર્થિક ગુનાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી એકમ સમક્ષ પૂછપરછ થવાની છે. તેમની સામે વિશ્વાસઘાત, પ્રભાવનો દુરુપયોગ અને સરકારી નાણાંના ગેરવહીવટ સહિતના આરોપોની તપાસ થઈ રહી છે.દરમિયાન, પેરાગ્વેના નવા રાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ બેંકિંગ કટોકટીથી અસરગ્રસ્ત નાગરિકોને નાણાં પરત અપાવવાની ખાતરી આપી છે.










