કચ્છના મુન્દ્રા પોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરીનું મોટું નેટવર્ક ઝડપાવાની આશંકા સામે આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ બાતમીના આધારે સિક્રેટ ઓપરેશન હાથ ધર્યું હતું

કચ્છના મુન્દ્રા પોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરીનું મોટું નેટવર્ક ઝડપાવાની આશંકા સામે આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ બાતમીના આધારે સિક્રેટ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 18 શંકાસ્પદ કન્ટેનરનું ક્લિયરન્સ અટકાવવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં ત્રણ કન્ટેનરમાંથી કરોડો રૂપિયાની ઇમ્પોર્ટેડ સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. ખાડી દેશોમાંથી સામાન્ય માલસામાનની આયાતના નામે સિગારેટ ભારતમાં ઘુસાડવામાં આવતી હોવાની આશંકા છે.
ખાડી દેશોમાંથી આયાતના નામે દાણચોરી
બહારથી જોતા કન્ટેનરોમાં સામાન્ય માલસામાન ભરેલો હોવાનું જણાતું હતું. આ ઉપરાંત, કસ્ટમ વિભાગમાં જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, તેની પાછળ દાણચોરીનું નેટવર્ક કાર્યરત હોવાની બાતમી DRIને મળી હતી.
બાતમીના આધારે અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ પર કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એક પછી એક 18 શંકાસ્પદ કન્ટેનર અટકાવીને તેમની ચકાસણી શરૂ કરવામાં આવી હતી.
ત્રણ કન્ટેનરમાંથી કરોડોની સિગારેટ મળી
પ્રાથમિક તપાસમાં ત્રણ કન્ટેનરમાં જાહેર કરેલા માલસામાનની જગ્યાએ વિદેશી સિગારેટ છુપાવીને લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સિગારેટનો જથ્થો કરોડો રૂપિયાની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે.
હજુ અન્ય કન્ટેનરોની તપાસ બાકી છે. તેથી દાણચોરીના કુલ જથ્થા અને તેની કિંમતમાં મોટો વધારો થવાની શક્યતા છે. DRIની તપાસમાં આ નેટવર્ક પાછળ કોણ છે અને તેમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.










