Gujarat ST News: દિવાળી પહેલાં ST કર્મચારીઓને મોટી ભેટ, અડધો પગાર એડવાન્સમાં ચૂકવવાની હર્ષ સંઘવીની જાહેરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ST નિગમના કર્મચારીઓને અડધો પગાર એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત કરી છે.કર્મચારીઓ પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ખુશીથી ઉજવી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં દિવાળી અને ધનતેરસના તહેવાર પહેલાં ST નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ST નિગમના કર્મચારીઓને અડધો પગાર એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત કરી છે. કર્મચારીઓ પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ખુશીથી ઉજવી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ST કર્મચારીઓને દિવાળી પહેલાં અડધો પગાર મળશે

ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તહેવારોના સમયે કર્મચારીઓ અને તેમના પરિવારોને આર્થિક રાહત મળે તે જરૂરી છે. આ જાહેરાતથી ST નિગમના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

101 નવી ST બસોનું લોકાર્પણ

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 101 નવી ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવી બસો શરૂ કરવામાં આવી છે.

આ બસોના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. ખાસ કરીને દિવાળીમાં પોતાના વતન જતા મુસાફરોને સરળ અને સુગમ મુસાફરીનો લાભ મળશે.

ડ્રાઈવર અને કંડક્ટરના હસ્તે બસોને લીલી ઝંડી

નવી બસોના લોકાર્પણ દરમિયાન હર્ષ સંઘવીએ અલગ અંદાજ અપનાવ્યો હતો. તેમણે માત્ર પ્રોટોકોલ મુજબ ફ્લેગ ઓફ કરવાને બદલે ST નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને વર્કશોપના કર્મચારીઓને વિશેષ મહત્વ આપ્યું હતું.

તેમના હસ્તે જ નવી બસોને લીલી ઝંડી અપાવવામાં આવી હતી. કાર્યક્રમ પહેલાં નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. તેમણે કર્મચારીઓના કામકાજ વિશે જાણકારી મેળવી અને તમામ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રૂપસિંહ ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ હારીત શુક્લ, GSRTCના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ડૉ. રાજેન્દ્ર કુમાર, GSRTC સચિવ રવિ નિર્મલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!