શહેરમાં NDPSના ગુનાઓમાં અગાઉ પકડાયેલા અથવા ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 951 લોકોને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા અમદાવાદ શહેર પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં NDPSના ગુનાઓમાં અગાઉ પકડાયેલા અથવા ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 951 લોકોને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. અહીં પોલીસ અધિકારીઓએ તમામને ડ્રગ્સના ગેરકાયદે વેપારથી દૂર રહેવા કડક ચેતવણી આપી હતી. ફરીથી નશીલા પદાર્થોના વેચાણ, સંગ્રહ કે હેરફેરમાં સંડોવાયેલા જણાશે તો કાયદેસરની આકરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં 951 લોકોને બોલાવાયા
18 નવેમ્બરે શાહીબાગ સ્થિત જે.ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સ્થાનિક પોલીસ, ઝોનલ ટીમો અને એન્ટી નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
આશરે 951 લોકોને એકત્ર કરીને ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને તેના સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આશરે 300 એવા લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, જેઓ નશાની લત ધરાવે છે અને હજુ પણ નશીલા પદાર્થોનું સેવન કરે છે.
ઘર, હિલચાલ અને નાણાકીય વ્યવહારો પર નજર
પોલીસે ચેતવણી આપી છે કે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, સંપર્કો અને નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં આવશે. ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા લોકોની વિગતો એકત્ર કરીને તેમના સપ્લાયરો અને સંપર્કોની તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, ડ્રગ્સના ગેરકાયદે વેપારથી મેળવેલી મિલકતો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આવી મિલકતો પરિવારના સભ્યોના નામે રાખવામાં આવી હોય તો પણ કાયદાકીય જોગવાઈ મુજબ જપ્તી અથવા ફ્રીઝ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
પોલીસ અધિકારીઓને પણ ચેતવણી
અમદાવાદ પોલીસના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) શરદ સિંઘલે સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ કડક સૂચના આપી છે. કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી હોવા છતાં કાર્યવાહી નહીં થાય અને અન્ય એજન્સી દ્વારા ગુનો પકડાશે તો સંબંધિત પોલીસ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે.
પોલીસ કર્મચારી પોતે ડ્રગ્સના વેપાર કે અન્ય નશીલા પદાર્થોની પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે પણ ગુનો નોંધવાની ચેતવણી આપવામાં આવી છે.
2028 સુધીમાં ડ્રગ્સમુક્ત ગુજરાતનું લક્ષ્ય
ગુજરાતને 2028 સુધીમાં ડ્રગ્સમુક્ત બનાવવાના લક્ષ્ય સાથે પોલીસ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓએ નશાની લત ધરાવતા લોકોને પુનર્વસન અને સારવાર તરફ વળવા પણ અપીલ કરી છે.
પોલીસનું કહેવું છે કે આ કાર્યવાહીનો હેતુ માત્ર આરોપીઓને ચેતવણી આપવાનો નથી, પરંતુ ડ્રગ્સના સપ્લાય નેટવર્કને તોડવાનો અને યુવા પેઢીને નશાના દુષણથી બચાવવાનો છે.










