ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગર ફરી એકવાર શાસ્ત્રીય સંગીતના સૂરોથી ગુંજી ઊઠવા તૈયાર છે. અહીં 19 અને 20 નવેમ્બર, 2026ના રોજ બે દિવસીય તાના-રીરી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગર ફરી એકવાર શાસ્ત્રીય સંગીતના સૂરોથી ગુંજી ઊઠવા તૈયાર છે. અહીં 19 અને 20 નવેમ્બર, 2026ના રોજ બે દિવસીય તાના-રીરી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના જાણીતા શાસ્ત્રીય અને લોકસંગીતના કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે.
મહોત્સવ દરમિયાન જાણીતી ગાયિકાઓ માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને પ્રતિષ્ઠિત તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 19 નવેમ્બરે સાંજે 6:30 કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહોત્સવનું ઉદ્ઘાટન થવાનું છે.
પ્રથમ દિવસે સૂર્યા ગાયત્રી અને પદ્મશ્રી કલાકારની રજૂઆત
મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 19 નવેમ્બરે શાસ્ત્રીય સંગીતની વિશેષ મહેફિલ જામશે. કાર્યક્રમની શરૂઆત સૂર્યા ગાયત્રીના શાસ્ત્રીય ગાયનથી થશે. ત્યારબાદ પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને કુમારેશ રાજગોપાલન શાસ્ત્રીય જુગલબંધી રજૂ કરશે.
પ્રથમ દિવસના અંતે જાણીતા લોકગાયક હાર્દિક દવે પોતાની લોકસંગીતની પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
બીજા દિવસે જયતીર્થ મેવુન્ડી અને પૂર્વાયન ચેટરજીના સૂર
20 નવેમ્બરે મહોત્સવના બીજા દિવસે પણ સંગીતની રંગત જળવાઈ રહેશે. જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જયતીર્થ મેવુન્ડી ગાયનની પ્રસ્તુતિ કરશે.
ત્યારબાદ પંડિત પૂર્વાયન ચેટરજી અને તેમનું સંગીત વૃંદ વાદન રજૂ કરશે. આ ઉપરાંત ભૌમિક શાહની વિશેષ લોકસંગીત પ્રસ્તુતિ પણ કાર્યક્રમનું આકર્ષણ બનશે.
માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીનું સન્માન
આ વર્ષના તાના-રીરી મહોત્સવમાં સંગીત ક્ષેત્રે યોગદાન બદલ બે પ્રતિભાશાળી કલાકારોને પ્રતિષ્ઠિત તાના-રીરી એવોર્ડ એનાયત કરવામાં આવશે. તેમાં જાણીતી લોકગાયિકા માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા સંગીત ક્ષેત્રે મહિલાઓના યોગદાનને બિરદાવવા આ એવોર્ડ આપવામાં આવે છે. બંને કલાકારોનું સન્માન મહોત્સવની વિશેષ ક્ષણ બની રહેશે.
તાના-રીરીની અમર સંગીત સાધનાને સમર્પિત મહોત્સવ
વડનગરની બહેનો તાના અને રીરીની સંગીત સાધનાની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. લોકવાયકા અનુસાર, મુઘલ બાદશાહ અકબરના દરબારી સંગીતકાર તાનસેને રાગ દીપક ગાયા બાદ તેમના શરીરમાં ગરમીની અસર થઈ હતી.ત્યારે તાના અને રીરીએ રાગ મલ્હાર ગાઈને તેમની સ્થિતિ સુધારી હતી એવી માન્યતા છે. આ બંને બહેનોની સંગીત પ્રત્યેની સાધના અને સમર્પણને યાદ કરવા દર વર્ષે વડનગરમાં આ મહોત્સવ યોજાય છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજનથી યોજાનારા આ મહોત્સવમાં સંગીતપ્રેમીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.










