UPI પેમેન્ટ પર લાગનારા ચાર્જમાં ફરી વિલંબ? 2027ની 5 રાજ્યોની ચૂંટણી બાદ જ અમલની શક્યતા, જાણો કોને થશે અસર

દેશમાં ડિજિટલ પેમેન્ટ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી UPI સેવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.UPIના પસંદગીના મોટા વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની યોજના ફરી વિલંબમાં પડી શકે છે. 

દેશમાં ડિજિટલ પેમેન્ટ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી UPI સેવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. UPIના પસંદગીના મોટા વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની યોજના ફરી વિલંબમાં પડી શકે છે. તાજેતરના અહેવાલો મુજબ, 2027ના પ્રથમ છ મહિનામાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જ આ ચાર્જ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.

અગાઉ આ ચાર્જ 15 ઓક્ટોબર, 2026થી લાગુ કરવાની યોજના હતી. જોકે, તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને NPCIએ તેનો અમલ દિવાળી પછી કરવાની જાહેરાત કરી હતી. હવે વેપારીઓના વિરોધ અને ચૂંટણીના સમયગાળાને ધ્યાનમાં રાખીને અમલ વધુ પાછળ ઠેલાઈ શકે છે.

કયા પાંચ રાજ્યોની ચૂંટણીને કારણે વિલંબની શક્યતા?

2027ના પ્રથમ છ મહિનામાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વેપારીઓ અને વેપારી સંગઠનોમાં નવા ચાર્જને લઈને નારાજગી ઊભી થવાની આશંકા હોવાથી સરકાર અમલના સમય અંગે સાવચેતી રાખી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ઉદ્યોગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો સંબંધિત પક્ષો વચ્ચે સમય અંગે સહમતિ નહીં બને તો ઉત્તર પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ આ યોજના લાગુ થઈ શકે છે. જોકે, આને સૌથી મોડા અમલની શક્યતા તરીકે રજૂ કરવામાં આવી છે, અંતિમ નિર્ણય તરીકે નહીં.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ?

પ્રસ્તાવિત MDR માળખા મુજબ, પસંદગીના વેપારી વ્યવહારોમાં ₹2,000થી વધુની UPI ચુકવણી પર 0.40 ટકા ચાર્જ લાગુ થઈ શકે છે. આ ચાર્જ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ તરીકે ઓળખાય છે.

આ ચાર્જ ગ્રાહકના બદલે પેમેન્ટ સ્વીકારતા વેપારી પાસેથી વસૂલવાનો પ્રસ્તાવ છે. એટલે ગ્રાહક સામાન્ય રીતે UPIથી ચુકવણી કરે ત્યારે તેને અલગથી MDR ચૂકવવાનો રહેશે નહીં.

સામાન્ય ગ્રાહકોના UPI પેમેન્ટ પર અસર થશે?

આ પ્રસ્તાવ તમામ UPI વ્યવહારો માટે નથી. ₹2,000 સુધીના નાના વેપારી વ્યવહારોને આ ચાર્જમાંથી મુક્ત રાખવાની જોગવાઈ છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિને કરવામાં આવતા UPI ટ્રાન્સફર પર પણ MDR લાગુ થવાનો નથી.

એટલે મિત્રો કે પરિવારજનોને પૈસા મોકલવા, પોતાના બેંક ખાતાઓ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવા જેવા વ્યવહારો પર આ ચાર્જ લાગુ નહીં પડે.

અંતિમ નિર્ણય હજુ બાકી

નવા MDR માળખા માટે જરૂરી કામગીરી અને ચર્ચાઓ આગળ વધી રહી છે. જોકે, સરકાર, રિઝર્વ બેંક અને NPCI વચ્ચે અમલીકરણના સમય અંગે અંતિમ સહમતિ થવાની બાકી છે.

NPCIએ અગાઉ ચાર્જ દિવાળી બાદ લાગુ કરવાની વાત કરી હતી, પરંતુ ચોક્કસ તારીખ જાહેર કરી નહોતી. હવે 2027ની વિધાનસભા ચૂંટણીઓ બાદ અમલની શક્યતા અંગે ચર્ચા છે. તેથી વેપારીઓ અને ગ્રાહકોએ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!