ભારતીય ક્રિકેટના યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. UAE સામે રમાયેલી ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની મેચમાં તેણે રનોનું વાવાઝોડું લાવી દીધું હતું

ભારતીય ક્રિકેટના યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. UAE સામે રમાયેલી ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની મેચમાં તેણે રનોનું વાવાઝોડું લાવી દીધું હતું. માત્ર 53 બોલમાં 204 રન ફટકારીને વૈભવે લિસ્ટ-A ક્રિકેટમાં અનેક નવા વિશ્વવિક્રમ સ્થાપિત કર્યા છે.
15 વર્ષના આ બેટરે પોતાની ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આ તોફાની બેટિંગના કારણે ભારત-Aએ 250 રનનો લક્ષ્યાંક માત્ર 14.2 ઓવરમાં પાર કરી લીધો હતો.
માત્ર 28 બોલમાં ઐતિહાસિક સદી
વૈભવે શરૂઆતથી જ UAEના બોલરો પર આક્રમણ કર્યું હતું. તેણે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ વધુ 12 બોલમાં સદી ફટકારી હતી.
આ સાથે તેણે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કના નામે હતો. તેણે 29 બોલમાં સદી ફટકારી હતી.
52 બોલમાં બેવડી સદીનો વિશ્વવિક્રમ
વૈભવ અહીં અટક્યો નહોતો. તેણે માત્ર 40 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ 52 બોલમાં પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી.આ સાથે તેણે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. અગાઉ ન્યૂઝીલેન્ડના ચેડ બોવ્સે 103 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
એક ઇનિંગમાં 28 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ
વૈભવની આ ઇનિંગની સૌથી મોટી ખાસિયત તેના છગ્ગા હતા. તેણે કુલ 28 છગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં કોઈ બેટરે આટલા છગ્ગા ફટકાર્યા નથી.
તેની સાથે તેણે પુરુષોની સિનિયર પ્રોફેશનલ ક્રિકેટ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
ભારત-Aનો સાત વિકેટે ભવ્ય વિજય
આ મેચમાં UAEએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા. ભારત-A તરફથી વૈભવ સૂર્યવંશીએ એકલા હાથે મેચનું પાસું પલટી નાખ્યું હતું.ભારત-Aએ માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 254 રન બનાવી જીત મેળવી હતી. આ સાથે ટીમે સેમિફાઇનલમાં પણ સ્થાન નિશ્ચિત કર્યું હતું.વૈભવની આ ઇનિંગ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રહેશે.










