બારડોલીમાં ખૂની ખેલ! મહારાષ્ટ્રના પરિવારને ઉકાઈ નહેરમાં ફેંક્યા, માતા-પિતા સહિત 3નાં મોત

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના એક શ્રમજીવી પરિવારને કારમાંથી ઉતારી ઉકાઈ નહેરમાં ફેંકી દેવાનો ગંભીર આક્ષેપ થયો છે.

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના એક શ્રમજીવી પરિવારને કારમાંથી ઉતારી ઉકાઈ નહેરમાં ફેંકી દેવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બે બાળકો હજુ લાપતા છે.

પરિવારના 13 વર્ષીય કિશોરે નહેરમાં પાઈપ પકડી લેતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

જલગાંવથી સુરત આવતાં પરિવારને રસ્તામાં આંતર્યા

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો પરિવાર એરંડોલની એક ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હતો. પરિવારના સભ્યો 21 નવેમ્બરે કારમાં સુરત આવવા નીકળ્યા હતા.

દરમિયાન બારડોલીના ઉવા ગામ નજીક અન્ય એક કારમાં આવેલા ચાર શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોને કારમાંથી નીચે ઉતારી નજીકની ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં ફેંકી દીધા હોવાનો આક્ષેપ છે.

13 વર્ષના કિશોરે પાઈપ પકડીને જીવ બચાવ્યો

આ ઘટનામાં પરિવારના એક 13 વર્ષીય કિશોરે હિંમત બતાવી હતી. નહેરમાં પડ્યા બાદ તેના હાથમાં પાઈપ આવી જતાં તેણે તેને પકડી રાખી હતી.

આ રીતે તે પાણીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તે નજીકની હોટલ સુધી પહોંચ્યો અને ત્યાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડી આવી હતી.

માતા-પિતા સહિત ત્રણના મૃતદેહ મળ્યા

પોલીસ અને ફાયર વિભાગે નહેરમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીકથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.

મૃતકોમાં નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ, કવિતા પાટીલ અને પરિવારની એક યુવતીનો સમાવેશ થાય છે. બીજી તરફ, પરિવારનાં બે બાળકો હજુ લાપતા છે. તેમની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

ચાર શખ્સો સામે ફરિયાદ, પોલીસની તપાસ તેજ

આ મામલે ખંડીયો, આભો, બંટી અને એક અજાણ્યા શખ્સ સહિત કુલ ચાર લોકો સામે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓને ઝડપી પાડવા માટે SOG, LCB અને અન્ય પોલીસ ટીમો તપાસમાં જોડાઈ છે. પરિવારને નહેરમાં ફેંકવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!