પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને આગામી રાષ્ટ્રીય કક્ષાની કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝને ધ્યાનમાં રાખીને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લાના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને આગામી રાષ્ટ્રીય કક્ષાની કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝને ધ્યાનમાં રાખીને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
23 નવેમ્બર 2026ના રોજ મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં પગપાળા તેમજ બોટ મારફતે સઘન તપાસ કરી હતી. આ કામગીરીમાં ઝિંદ્રા ટાપુ, માસુરા ક્રીક, જુના-નવા બેડી બંદર અને રોઝી બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
દરિયાઈ ઘૂસણખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર
આ મેગા પેટ્રોલિંગનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી અટકાવવાનો છે. આ ઉપરાંત હથિયારો અને નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવી હતી.
ATS, કોસ્ટલ સિક્યુરિટી અને મરીન ટાસ્ક ફોર્સની ટીમોએ સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરી હતી. દરિયાકાંઠા નજીક અજાણી વ્યક્તિઓ, શંકાસ્પદ બોટ અને અન્ય હિલચાલની તપાસ કરવામાં આવી હતી.
બંદરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં ચેકિંગ
પેટ્રોલિંગ દરમિયાન ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ અને ઔદ્યોગિક સ્થાપનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સુરક્ષા દળોએ ચકાસણી કરી હતી.
જામનગરનો દરિયાકાંઠો બંદરો, ઔદ્યોગિક એકમો અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ટાપુઓને કારણે સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાય છે. તેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.
માછીમારોને શંકાસ્પદ હિલચાલની જાણ કરવા અપીલ
મરીન કમાન્ડોની ટીમોએ વિવિધ માછીમારી વસાહતો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માછીમારો સાથે સીધો સંવાદ કરીને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
દરિયામાં કે દરિયાકાંઠે કોઈ અજાણી બોટ, અજાણી વ્યક્તિ અથવા શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સુરક્ષા એજન્સીને જાણ કરવા જણાવાયું હતું.
આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ ચાલુ રહેશે
સુરક્ષા એજન્સીઓ દ્વારા આગામી દિવસોમાં પણ જામનગરના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં પેટ્રોલિંગ તથા ચકાસણી ચાલુ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠાના રહેવાસીઓના સહયોગથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.










