પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ગાંજાની ખેતી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોરવા હડફ તાલુકાના વાંસદેલિયા ગામના રાઠવા ફળિયામાં દરોડો પાડીને પોલીસે ગાંજાના 33 લીલા છોડ ઝડપી પાડ્યા છે

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ગાંજાની ખેતી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોરવા હડફ તાલુકાના વાંસદેલિયા ગામના રાઠવા ફળિયામાં દરોડો પાડીને પોલીસે ગાંજાના 33 લીલા છોડ ઝડપી પાડ્યા છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે જપ્ત કરેલા છોડનું કુલ વજન 42.500 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. તેની અંદાજિત કિંમત ₹21.25 લાખ આંકવામાં આવી છે.
SOG અને મોરવા પોલીસની સંયુક્ત કાર્યવાહી
મળતી માહિતી મુજબ, વાંસદેલિયા ગામના રાઠવા ફળિયામાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મળી હતી.
આ બાતમીના આધારે પંચમહાલ SOG અને મોરવા હડફ પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની કબજાભોગવટાની જમીનમાંથી ગાંજાના 33 લીલા છોડ મળી આવ્યા હતા.
42.500 કિલો ગાંજો જપ્ત
પોલીસે તમામ છોડનું વજન કરતાં કુલ 42.500 કિલોગ્રામ થયું હતું. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત ₹21.25 લાખ હોવાનું જણાવાયું છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે અનોપસિંહ મથુરભાઈ રાઠવાની ધરપકડ કરી હતી.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ ગાંજાની ખેતી કેટલા સમયથી કરવામાં આવતી હતી અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.ગેરકાયદે માદક પદાર્થોની ખેતી અને હેરાફેરી સામે પોલીસની કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે.










