અમદાવાદ પ્લેન ક્રેશ: લગ્નના બે દિવસ બાદ છીનવાયો સુહાગ, માહેશ્વરી પરિવારમાં માતમ

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા માહેશ્વરી પરિવાર માટે 10 જૂન ખુશીનો દિવસ હતો : આ ખુશી ગણતરીના દિવસોમાં જ માતમમાં ફેરવાઈ ગઈ

અમદાવાદ, શુક્રવાર : લગ્નના માંડ બે દિવસ જ થયા હતા અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. પરંતુ અમદાવાદમાં થયેલા એક ભયાનક પ્લેન ક્રેશ એ વડોદરાના માહેશ્વરી પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. 10 જૂને જ જેમનું કોર્ટ મેરેજ થયા હતા તે ભાવિક માહેશ્વરીનું એર ઇન્ડિયાની ફ્લાઈટના ક્રેશ માં અવસાન થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

વડોદરાનો માહેશ્વરી પરિવાર શોકમાં
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા માહેશ્વરી પરિવાર માટે દસ જૂન ખુશીનો દિવસ હતો. તેમના દીકરા ભાવિક માહેશ્વરીના લગ્ન કોર્ટ મેરેજ દ્વારા સંપન્ન થયા હતા. પરંતુ, આ ખુશી ગણતરીના દિવસોમાં જ માતમમાં ફેરવાઈ ગઈ. લગ્નના માત્ર બે જ દિવસ બાદ ભાવિકના અવસાનના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

લંડનથી વડોદરા અને લગ્નના બે દિવસ પછી…
ભાવિક માહેશ્વરી છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં નોકરી કરતા હતા. તેઓ દર વર્ષે પંદર દિવસ માટે પોતાના પરિવારને મળવા વડોદરા આવતા હતા. આ વખતે જ્યારે તેઓ આવ્યા, ત્યારે પરિવારે તેમને લગ્ન કરીને જ પાછા ફરવાનું કહ્યું. ભાવિકની સગાઈ પહેલાથી જ થઈ ચૂકી હતી, અને પરિવારની સંમતિથી દસ જૂને કોર્ટમાં તેમના લગ્ન કરાવી દેવાયા.

લગ્ન બાદ તેમની નવપરિણીત પત્નીએ તેમને હસતા મોઢે વિદાય આપી હતી. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ વિદાય છેલ્લી હશે. ફ્લાઈટમાં ચઢ્યાના થોડા કલાકો બાદ જ સમાચાર આવ્યા કે એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદથી ઉડાન ભર્યા બાદ ક્રેશ થઈ ગઈ છે. દુર્ભાગ્યવશ, ભાવિક પણ તે જ ફ્લાઈટમાં સવાર હતા.

પરિવાર પર દુઃખનો પહાડ
આ સમાચાર મળતા જ માહેશ્વરી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ભાવિકના પિતા હજુ પણ પુત્રના મૃત્યુને સ્વીકારવા તૈયાર નથી. પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જ્યાં બે દિવસ પહેલા લગ્નની મીઠાઈઓ વહેંચાઈ હતી, ત્યાં આજે સંપૂર્ણપણે સન્નાટો છવાયેલો છે.

૨૬૫ લોકોના મોત, અનેક સપનાઓ તબાહ
આ વિમાન દુર્ઘટના માં ફક્ત વિમાન જ નહીં, પરંતુ અનેક પરિવારોના સપના, ભવિષ્ય અને અરમાનો પણ તબાહ થઈ ગયા. આ ભયાવહ હાડસા માં કુલ ૨૬૫ લોકોના જીવ ગયા છે. આ દુર્ઘટનાને કારણે અનેક લોકોના જીવનમાં ભૂકંપ આવી ગયો છે. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, તો કોઈએ માતા, પિતા કે પતિ, અને કોઈએ પોતાની દીકરી. ઘણા લોકો જે પોતાના સપના પૂરા કરવા માટે પહેલીવાર વિમાનમાં સવાર થયા હતા, તેઓ પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા. આ ક્રેશ ને કારણે કેટલાક લોકોની રાહ ક્યારેય પૂરી નહીં થાય, કારણ કે જેઓ પાછા ફરવાના હતા, તેઓ હવે ક્યારેય પાછા નહીં આવે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!