રથયાત્રાને સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તે અંગે રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીઓ બેઠક કર્યા બાદ નિર્ણય લઈ શકે છે

અમદાવાદ, મંગળવાર: અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ છે. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથોને નવું રૂપ આપવા માટે વિવિધ ટીમો કામે લાગી છે. આ વર્ષે નવનિર્મિત રથોનું બીજું વર્ષ હોવાથી, રથોની સફાઈ અને સ્પ્રેકલર દ્વારા રંગરોગાનની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, રથયાત્રા દરમિયાન કોઈ ખામી ન સર્જાય તે માટે જરૂરી સમારકામનું કામ પણ કરાયું છે. જો કે, અમદાવાદ વિમાન દૂર્ઘટનમાં 278 લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ વર્ષે યોજાનારી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી શક્યતાઓ છે.
બેઠક કર્યા બાદ નિર્ણય લેવાઈ શકે છે
રથયાત્રાને સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તે અંગે રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાઈ શકે છે. જો કે, આ મુદ્દે કોઈ જાહેરાત કરાઈ નથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો કે, સાદગી પૂર્ણ યોજાય તો કદાચ ટેબ્લોનું પણ આયોજન ન પણ હોઈ શકે.તો બીજી તફ નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
10 જૂને રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ કર્યું હતું
જો કે રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે 10 જૂને રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ કર્યું હતું. રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે. રથયાત્રા રૂટ પર 100 જેટલા પોલીસ કર્મચારીઓએ બુલેટ બાઈક પર સવાર થઈને નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થઈ છે.











