સ્થાનિક તરવૈયાઓની મદદથી ભાઈ-બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા ફાયર બ્રિગ્રેડને કરતા ફાયર બ્રિગ્રેડ પણ ઘટના સ્થળે આવી બાળકોની શોધખોળ હાથ ધરી હતી

જામનગર, શનિવાર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામની હ્યદયદ્રાવક ઘટના બનવા પામી હતી. જેમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનના કરૂણ મોત થયા હતા. બહાર ગામથી પેટિયું રળવા આવેલ ખેત મજૂર પરિવાર પર આભ ફાટ્યું હતું. શ્રમિક પરિવારના 9 વર્ષીય અનિતા અને 7 વર્ષીય અવિનાશ ભુરિયા નામના ભાઈ-બહેન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ધ્રોલ પોલીસે હોસ્ટિપલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બે માસૂમ ભાઈ-બહેનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
બે બાળકો ખાડામાં ડૂબ્યાની જાણ થતા સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી ભાઈ-બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા ફાયર બ્રિગ્રેડને કરતા ફાયર બ્રિગ્રેડ પણ ઘટના સ્થળે આવી બાળકોની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટના બાબતે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંને ભાઈ-બહેનના કરૂણ મોત નિપજતા પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.











