ઈરાન યુદ્ધવિરામ માટે સંમત, ઇઝરાયેલ હજુ પણ મૌન: શું મધ્ય પૂર્વમાં અટકશે તબાહી?

ઇઝરાયેલે યુદ્ધવિરામ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ઇઝરાયેલે ટ્રમ્પના દાવાઓ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનો પણ ઇનકાર કરી દીધો.

અમદાવાદ, મંગળવાર
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષ પર હવે વિરામ લાગી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, ઈરાને આ અંગે સંમતિ આપી દીધી છે, જ્યારે ઇઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા કે નિવેદન આવ્યું નથી.

યુદ્ધવિરામ અંગે ઈરાનની સંમતિ
અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓને નકાર્યા બાદ હવે ઈરાને ઇઝરાયેલ સાથે યુદ્ધ રોકવા માટેના કરારને મંજૂરી આપી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે આ પહેલા ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કોઈપણ કરાર પર સહમતિ બનવાનો ઇનકાર કર્યો હતો. જોકે, થોડી જ મિનિટો બાદ અરાઘચીએ જણાવ્યું કે ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે.

ઈરાની વિદેશ મંત્રીની સૈન્યને શુભકામનાઓ
યુદ્ધવિરામની જાહેરાત કરતા, ઈરાની વિદેશ મંત્રી અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈરાની સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે તેમની સેના બહાદુરીથી લડી. અરાઘચીએ જણાવ્યું, “ઇઝરાયેલ વિરુદ્ધ અમારી સેનાનું ઓપરેશન સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહ્યું. હું તમામ ઈરાનીઓ સાથે મળીને અમારી સેનાનો આભાર માનું છું, જેઓ પોતાના લોહીના છેલ્લા ટીપાં સુધી આપણા દેશની રક્ષા માટે લડ્યા અને જેમણે દુશ્મનના કોઈપણ હુમલાનો છેલ્લી મિનિટ સુધી જવાબ આપ્યો.”

શરૂઆતમાં ટ્રમ્પના દાવાને કર્યો હતો નકાર
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઈરાને ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓને ફગાવી દીધા હતા. ઈરાની વિદેશ મંત્રીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામ કે સૈન્ય કાર્યવાહી રોકવા માટે કોઈપણ કરાર પર સહમતિ બની નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલના યુદ્ધમાં યુદ્ધવિરામ અંગેનો અંતિમ નિર્ણય બાદમાં લેવામાં આવશે.

ઇઝરાયેલ હજુ પણ મૌન
બીજી તરફ, ઇઝરાયેલે યુદ્ધવિરામ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ઇઝરાયેલે ટ્રમ્પના દાવાઓ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનો પણ ઇનકાર કરી દીધો. માહિતી મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરીને યુદ્ધવિરામ કરાર નક્કી કર્યો છે.

ટ્રમ્પે કરી હતી જાહેરાત
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા આ સંઘર્ષને રોકવાની જરૂર છે. અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, આ કરાર તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. મહત્વનું છે કે, એક દિવસ પહેલા જ અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેના જવાબમાં ઈરાને કતાર અને ઇરાકમાં અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસે તેવા અણસાર દેખાઈ રહ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!