ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ માટે રેસ તેજ, દાવેદારો દિલ્હીમાં, લોબિંગ શરૂ!

છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી ગુજરાત કોંગ્રેસ માટે નવા પ્રમુખની પસંદગી એક મોટો પડકાર છે. આ કેપ્ટન કોણ હશે અને તેઓ ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી જીવંત કરી શકશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે. કોંગ્રેસ હાઈ કમાન્ડ કયા નેતા પર વિશ્વાસ મૂકીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપે છે, તેના પર સૌની નજર રહેશે.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ માટેની રેસ હવે વધુ તેજ બની છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ, આ કાંટાળો તાજ કોણ પહેરશે તે અંગે દિલ્હી હાઈ કમાન્ડમાં મેરેથોન બેઠકો ચાલી રહી છે. ગુજરાતના વિવિધ જૂથોના નેતાઓએ પણ પોતાના ઉમેદવારો માટે લોબિંગ શરૂ કરી દીધું છે, જેના પગલે દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

દાવેદારોનો ધસારો અને જૂથવાદ
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગીને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે, વિવિધ જૂથોના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી રહ્યા છે. આ મુલાકાતો પાછળ પોતાના સમાજ અને જૂથના નેતાને પ્રમુખ પદ મળે તે માટેની રજૂઆતો મુખ્ય છે.

OBC અને કોળી સમાજની માંગ
સૌરાષ્ટ્રના કોળી સમાજના અગ્રણી અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અચાનક દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે ખડગે સાથે મુલાકાત કરી હતી. ચુડાસમાએ કોળી સમાજ અથવા OBC સમાજમાંથી પ્રમુખ પદ આપવાની જોરદાર માંગ કરી છે. આ મુલાકાત અન્ય કોળી આગેવાનો રજૂઆત કરે તે પહેલા જ થઈ હતી, જે દર્શાવે છે કે જૂથો વચ્ચે પોતાના સમાજના નેતાને આગળ વધારવા માટે સ્પર્ધા ચાલી રહી છે.

સ્વર્ણ વર્ગમાંથી દાવેદારી
બીજી તરફ, વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને ગૌરવ પંડ્યા પણ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે દક્ષિણ ગુજરાતમાંથી આવતા ગૌરવ પંડ્યા માટે પ્રમુખ પદની દાવેદારી પ્રબળ બનાવવા માટે આ મુલાકાત થઈ હતી. ગૌરવ પંડ્યા સ્વર્ણ વર્ગમાંથી આવે છે અને દક્ષિણ ગુજરાતમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે. તેઓ સ્વર્ગસ્થ અહેમદ પટેલના સૌથી નજીકના નેતાઓમાંના એક ગણાતા હતા અને વર્ષોથી સંગઠનમાં કામ કરી રહ્યા છે. તેમણે OBC નહીં, પણ સ્વર્ણ વર્ગમાંથી પ્રમુખ પદ આપવાની રજૂઆત કરી છે. નોંધનીય છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યાર સુધી OBC સમાજને સંગઠનના પ્રમુખની મોટી જવાબદારીઓ અપાઈ ચૂકી છે.

પાટીદાર નેતાઓની પણ માંગ
થોડા દિવસો પહેલા કોંગ્રેસના પાટીદાર નેતાઓની એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસમાં પાટીદાર નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળે તેવી વાત મુકાઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ પાટીદાર નેતા વિરજી ઠુમ્મરએ રાહુલ ગાંધીને પત્ર લખીને મુલાકાત માટે સમય આપવા રજૂઆત કરી છે. ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પણ આગવું મહત્વ છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાં પાટીદાર સમાજને કંઈક મોટું સ્થાન મળે તેવી માંગણી કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!