ગાંધીનગર મનપાની મેગા મચ્છર ડ્રાઈવ, 176 સ્કૂલ્સમાં સર્વે, 14ને નોટિસ!

મનપા માત્ર દંડ જ નહીં પરંતુ જાગૃતિ ફેલાવવા અને પ્રિવેન્ટિવ પગલાં લેવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટીમોએ શાળા-કોલેજ પરિસરમાંથી 250થી વધુ બર્ડ બાથ હટાવી દીધા છે.

ગાંધીનગર, શુક્રવાર
ચોમાસા પહેલાં જ ગાંધીનગર મહાનગરપાલિકાએ મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે એક મેગા અભિયાન હાથ ધર્યું છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરોના બ્રીડિંગને રોકવા માટે GMCની ટીમોએ કમર કસી છે.

GMCની 95 હેલ્થ ટીમોએ શહેરની 176 એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે. આ ટીમોનું નેતૃત્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) કરી રહ્યા છે, જેમણે શાળા-કોલેજના પરિસરમાં મચ્છર સંક્રમણના સંભવિત સ્થળોની બારીકાઈથી તપાસ કરી. આ સર્વેમાં 143થી વધુ વોટર ટેન્ક્સ, ફુવારા, બર્ડ બાથ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ્સનો સમાવેશ થાય છે.

14 સંસ્થાઓમાં મચ્છર બ્રીડિંગ મળ્યું, નોટિસ ફટકારાઈ!
આ સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન દરમિયાન 14 શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છર બ્રીડિંગ મળી આવ્યું હતું. આ ઇન્સ્ટિટ્યુટ્સમાં આરાધના વિદ્યા વિહાર, વસંતકુંવરબા સ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ જેવી જાણીતી શાળાઓનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી છે. GMCએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં ફરીથી બ્રીડિંગ મળશે, તો સખત દંડ અને સીલિંગ જેવી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

જાગૃતિ અભિયાન અને પ્રિવેન્ટિવ પગલાં
મનપા માત્ર દંડ જ નહીં પરંતુ જાગૃતિ ફેલાવવા અને પ્રિવેન્ટિવ પગલાં લેવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટીમોએ શાળા-કોલેજ પરિસરમાંથી 250થી વધુ બર્ડ બાથ હટાવી દીધા છે. ઉપરાંત, પાણી ભરાયેલા ખાડા-ખાબોચિયામાં 90 લીટર બળેલું ઓઇલ છાંટવામાં આવ્યું છે, જે મચ્છરના લાર્વાને નાશ કરવામાં મદદ કરે છે.

વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ લાવવા માટે 3,000થી વધુ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધાબા પર ભરાયેલા પાણીમાં ઓઇલ બોમ્બ દ્વારા પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી છે, જેથી મચ્છરોના લાર્વાને ડેવલપ થતા રોકી શકાય.

આ અભિયાન દ્વારા ગાંધીનગર મનપા ચોમાસા દરમિયાન શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે પ્રતિબદ્ધ છે. શહેરીજનોને પણ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!