કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસના પ્રથમ દિવસે, આણંદમાં સહકાર વિભાગના એક કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા, તેમણે ગાંધીનગરમાં વરસાદી સ્થિતિ અંગે એક મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અંગે ચર્ચા કરવામાં આવી.

ગાંધીનગર, શનિવાર
ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ વરસાદી પાણી ભરાવા અને રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને નાગરિકોની ફરિયાદોમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ફરિયાદોને ગંભીરતાથી લેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો ઉધડો લીધો હતો. આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં જાહેર જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
ગૃહમંત્રી અમિત શાહનો ‘ક્લાસ’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસના પ્રથમ દિવસે, આણંદમાં સહકાર વિભાગના એક કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા, તેમણે ગાંધીનગરમાં વરસાદી સ્થિતિ અંગે એક મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અંગે ચર્ચા કરવામાં આવી. સૂત્રો અનુસાર, અમિત શાહે અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી અને તેમને ખખડાવ્યા હતા. જોકે, ગાંધીનગરના મેયરે આને માત્ર એક સામાન્ય સમીક્ષા બેઠક ગણાવી હતી.
CMની તાત્કાલિક સમીક્ષા બેઠક અને ફરિયાદોનો નિકાલ
અમિત શાહ દ્વારા અધિકારીઓને આપવામાં આવેલા ‘ક્લાસ’ બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે તાત્કાલિક એક સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને વરસાદ પછી જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપવામાં આવી.
ગાંધીનગરના મેયરના નિવેદન મુજબ, તેમને રોડ-રસ્તા સહિતની કુલ 1500 જેટલી ફરિયાદો મળી છે. મેયરે દાવો કર્યો છે કે મોટાભાગની ફરિયાદોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી છે અને તેમનો નિકાલ લાવવામાં આવ્યો છે.
અન્ય મહત્ત્વના કાર્યક્રમો
ઉલ્લેખનીય છે કે હાલમાં બે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિત શાહ આણંદના કાર્યક્રમમાં હાજરી આપશે. દરમિયાન, આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગરમાં સિંદૂર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં ગાંધીનગરમાં મળેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી સિઝનમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓને લઈને આવેલી ફરિયાદો સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મંત્રીઓ અને પ્રભારી સચિવોને ફિલ્ડ પર ઉતરીને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી ફરિયાદો દૂર કરવા સૂચન કર્યું હતું.











