અહીં એક મહત્વપૂર્ણ શરત છે, સારવારનો કુલ ખર્ચ નિર્ધારિત મર્યાદા ઓળંગવો ન જોઈએ. ગુજરાતમાં, આ મર્યાદા પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ રૂપિયા છે.

અમદાવાદ, સોમવાર
ભારત સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને સામાન્ય રીતે આયુષ્માન ભારત યોજના તરીકે ઓળખવામાં આવે છે, તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડે છે. જોકે, ગુજરાત સરકારે 2022માં આ યોજના હેઠળ મળતી સહાયની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી છે, જે રાજ્યના લાખો લોકોને મોટી રાહત આપે છે.
પરંતુ, ઘણા લોકોના મનમાં હજુ પણ આ યોજનાને લઈને કેટલાક સવાલો છે, ખાસ કરીને એ અંગે કે એક વ્યક્તિ આયુષ્માન કાર્ડ પર કેટલી વખત સારવાર કરાવી શકે છે? શું સરકારે આ માટે કોઈ મર્યાદા નક્કી કરી છે? આજે આપણે આ તમામ સવાલોના જવાબ વિગતવાર મેળવીશું.
આયુષ્માન કાર્ડ પર કેટલી વાર સારવાર કરાવી શકાય?
સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આયુષ્માન કાર્ડ પર એક વ્યક્તિ કેટલી વખત મફત સારવાર લઈ શકે છે? તમને જણાવી દઈએ કે, આ યોજના હેઠળ સારવારની સંખ્યા પર કોઈ લિમિટ નથી. એટલે કે, એક વ્યક્તિ જેટલી વખત જરૂર પડે તેટલી વખત સારવાર કરાવી શકે છે.
જોકે, અહીં એક મહત્વપૂર્ણ શરત છે, સારવારનો કુલ ખર્ચ નિર્ધારિત મર્યાદા ઓળંગવો ન જોઈએ. ગુજરાતમાં, આ મર્યાદા પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ રૂપિયા છે. આ લિમિટ કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે લાગુ પડે છે. જ્યાં સુધી આ 10 લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદા પૂરી ન થાય, ત્યાં સુધી પરિવારનો કોઈપણ સભ્ય ગમે તેટલી વખત મફત સારવારનો લાભ લઈ શકે છે. એકવાર આ મર્યાદા પૂરી થઈ જાય પછી તે નાણાકીય વર્ષ માટે વધુ મફત સારવાર ઉપલબ્ધ થશે નહીં.
હોસ્પિટલ જતા પહેલાં આ બાબતોનું રાખો ધ્યાન
આયુષ્માન કાર્ડનો લાભ લેવા માટે હોસ્પિટલ જતા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, જેથી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે
હોસ્પિટલ યોજના સાથે જોડાયેલી છે કે નહીં: સૌપ્રથમ, ખાતરી કરો કે તમે જે હોસ્પિટલમાં સારવાર કરાવવા જઈ રહ્યા છો, તે આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી છે કે નહીં. કારણ કે, આયુષ્માન કાર્ડ પર ફક્ત આ યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં જ મફત સારવાર ઉપલબ્ધ છે. તમે હોસ્પિટલના હેલ્પડેસ્ક પર અથવા આયુષ્માન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ માહિતી મેળવી શકો છો.
બીમારી યોજનામાં સામેલ છે કે નહીં: તમે જે બીમારીની સારવાર કરાવવા માંગો છો, તે આયુષ્માન યોજનાના પેકેજમાં સામેલ છે કે નહીં તેની પણ ખાતરી કરો. આ યોજનામાં વિવિધ મેડિકલ પ્રોસિજર, સર્જરી અને બીમારીઓ માટે પેકેજ નક્કી કરવામાં આવ્યા છે. આ માટે તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ અથવા હોસ્પિટલમાં ઉપલબ્ધ આયુષ્માન મિત્ર પાસેથી વિગતવાર માહિતી મેળવી શકો છો.











