ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેએ પાલુન્દ્રા ગામની લીધી મુલાકાત, સમસ્યા સંબધિત જનતા સાથે કર્યો સીધો સંવાદ

પ્રાકૃતિક કૃષિ અંગેની ચર્ચાઓ બાદ, કલેક્ટરે ગ્રામ પંચાયત ના સામાન્ય દફતરની તપાસણી કરી હતી. ત્યારબાદ, તેમણે ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની મુલાકાત લઈને ત્યાંની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેએ આજે દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. “જન હિતાય જન સુખાય” ના ધ્યેય સાથે કાર્ય કરતા કલેક્ટર દવેએ ગામના લોકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ લાવવાનો અને વહીવટી તંત્ર પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ કરવાનો હતો.

કલેક્ટરની અઠવાડિક મુલાકાતો
કલેક્ટર મેહુલ કે. દવે નિયમિતપણે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર જિલ્લાના અંતરિયાળ ગામોની મુલાકાત લે છે. આ મુલાકાતો દરમિયાન તેઓ ગામની શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પંચાયતો અને આંગણવાડી જેવા કેન્દ્રોની આકસ્મિક તપાસ કરે છે. આ ઉપરાંત, તેઓ નાગરિકો સાથે સીધો સંવાદ કરીને તેમના પ્રશ્નો અને મૂંઝવણો સાંભળે છે. આ પ્રયાસોનો સ્પષ્ટ ધ્યેય જિલ્લા વહીવટી તંત્રના કાર્યોને નાગરિકોની સુરક્ષા, સેવા અને સલામતી માટે વધુ મજબૂત બનાવવાનો છે, જેથી જનતાનો વહીવટી તંત્ર પરનો વિશ્વાસ અકબંધ રહે.

આજે, 11 જુલાઈ, 2025ના રોજ કલેક્ટર દવેએ પાલુન્દ્રા ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે પ્રાકૃતિક કૃષિ બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ખેતરોની પણ રૂબરૂ મુલાકાત લીધી અને અન્ય ખેડૂતોને તેના ફાયદા સમજાવ્યા.

આ મુલાકાત દરમિયાન, કલેક્ટરે દેવકરણનામુવાડાથી ઉત્કંઠેશ્વર મહાદેવને જોડતા વાત્રક નદી પરના બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું. વધુમાં, તેમણે નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા દહેગામ-નરોડાને જોડતા રાયપુર ખાતેના બ્રિજની પણ આકસ્મિક તપાસ કરી અને કામગીરી અંગે જરૂરી ચકાસણી કરી હતી. પાલુન્દ્રા ખાતેની આ મુલાકાત દરમિયાન કલેક્ટરસાથે દહેગામના ધારાસભ્ય, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!