માર્શલ આર્ટ્સ, ડાન્સ અને અભિનયના ગુરુઓએ તેમને ઘડી ઘડીને બનાવ્યા : રાજકુમાર રાવ આજે પણ પોતાના શિક્ષકો સાથે જોડાયેલા છે અને કહે છે કે સારો શિક્ષક એ આશીર્વાદ સમાન છે

મુંબઈ, શનિવાર : અભિનેતા રાજકુમાર રાવે કહ્યું કે તેમના સફળ જીવન પાછળ તેમના શિક્ષકોનો મહત્વપૂર્ણ ભાગ છે. બાળપણમાં આર્થિક સંકટ હોવા છતાં શિક્ષકોએ શાળાની ફી ભરવી જેવી મદદ કરી હતી. માર્શલ આર્ટ્સ, ડાન્સ અને અભિનયના ગુરુઓએ તેમને ઘડી ઘડીને બનાવ્યા છે. રાજકુમાર રાવ આજે પણ પોતાના શિક્ષકો સાથે જોડાયેલા છે અને કહે છે કે સારો શિક્ષક એ આશીર્વાદ સમાન છે.
અભિનેતા રાજકુમાર રાવ તાલીમ પામેલા અભિનેતા, તાઈકવૉન્ડો જાણકાર અને ડાન્સર છે. તે પોતાની સફળતાનો શ્રેય પોતાના ગુરુઓને આપે છે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજકુમાર રાવે કહ્યું કે, ‘મારા ઘણા ગુરુઓ છે. મારા માર્શલ આર્ટ્સ શિક્ષક શ્રી યામિન, ડાન્સ શિક્ષક કમલજીત મેડમ અને મધુસૂદન સર અને શ્રી રામ સેન્ટર અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના શિક્ષકોએ મને ઘણું શીખવ્યું છે.’રાજકુમારે કહ્યું કે, ‘બાળપણમાં શિક્ષકોએ મને ઘણી મદદ કરી હતી, જેમ કે, જ્યારે મારા પરિવારની પરિસ્થિતિ સારી ન હતી ત્યારે શાળાની ફી ચૂકવી હતી. તેમણે કહ્યું, એક સારા શિક્ષક હોવું એ એક આશીર્વાદ છે. તમે તમારા શિક્ષક જેટલા સારા બનો છો. હું આ બાબતમાં ખૂબ નસીબદાર હતો. હું હજુ પણ મારા કેટલાક શિક્ષકોના સંપર્કમાં છું.’











