યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાનું ભાવિ શરિયા કાયદા ‘કિસાસ’ પર નિર્ભર છે.

નવીદિલ્હી,બુધવાર: યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાનું ભાવિ શરિયા કાયદા ‘કિસાસ’ પર નિર્ભર છે. ફાંસીની તારીખ 16 જુલાઈ નક્કી કરવામાં આવી હતી, જે હવે અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ મૃત્યુનો ભય ટળ્યો નથી, કારણ કે પીડિત પક્ષે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં માફ નહીં કરે. તેમણે તેમના પ્રિયજનના બદલામાં પૈસા લેવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
36 વર્ષીય નિમિષા પ્રિયા કેરળની એક નર્સ છે, જે 2008 માં નોકરીની શોધમાં યમન ગઈ હતી. ત્યાં તેણીની સ્થાનિક નાગરિક તલાલ અબ્દો મહદી સાથે ભાગીદારી હતી, જે પાછળથી બગડી ગઈ. 2017 માં મહદીના મૃત્યુ પછી, યમનની કોર્ટે નિમિષાને હત્યાનો દોષી ઠેરવી અને 2020 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.
‘કિસાસ’ કાયદો શું છે
નિમિષા પ્રિયાના જીવન અને મૃત્યુ હવે કિસાસ કાયદા પર નિર્ભર છે. યમન અને અન્ય મુસ્લિમ દેશો, જ્યાં શરિયા કાયદાનું પાલન થાય છે. ત્યાં, કિસાસ કાયદાને ખાસ માન્યતા છે. મુસ્લિમો તેને અલ્લાહનો આદેશ માને છે. આ કિસાસ ઇસ્લામિક શરિયા કાયદાનો એક ભાગ છે, જે કુરાનની આ કહેવત પર આધારિત છે – “જીવનના બદલામાં જીવન, આંખના બદલામાં આંખ”.
કિસાસ યમન, સાઉદી અરેબિયા, ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં કાયદેસર રીતે લાગુ પડે છે. આનો અર્થ એ છે કે જો કોઈ હત્યા કરે છે, તો પીડિતના પરિવારને ખૂનીને માફ કરવાનો અથવા મૃત્યુદંડની માંગણી કરવાનો અધિકાર છે. આમાં બીજો વિકલ્પ છે – બ્લડ મની, જેના હેઠળ પરિવાર વળતર લઈને આરોપીને માફ કરી શકે છે, પરંતુ પીડિત પક્ષે સ્પષ્ટપણે બ્લડ મનીનો ઇનકાર કર્યો છે.











