ભારત પર 25% ટેરિફ: ટ્રમ્પનો નવો બોમ્બ અને મોદી સાથેની ‘મિત્રતા’નો પેંતરો!

એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે ભારત પર લગાવવામાં આવેલા નવા ટેરિફથી અમેરિકા સાથે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $500 બિલિયન સુધી બમણો કરવાનો ભારતનો લક્ષ્ય જટિલ બની શકે છે.

વોશિંગ્ટન, ગુરૂવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ ફરી એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મિત્ર છે, પરંતુ વેપારના મામલે ભારત અમેરિકા સાથે “બહુ વધારે વેપાર” કરતું નથી, કારણ કે ભારતમાં ટેરિફ “ઘણા વધારે” છે.

ટેરિફ પર વાતચીત
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારત સાથે ટેરિફના મુદ્દે વાતચીત કરવા તૈયાર છે, ત્યારે તેમણે જણાવ્યું, “અમે અત્યારે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. જોઈએ શું થાય છે.” ANIના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે દાવો કર્યો કે ભારત “દુનિયામાં સૌથી વધારે કે લગભગ સૌથી વધારે ટેરિફ લગાવનારો દેશ” છે.

“મોદી મારા મિત્ર છે, પણ…”
25% ટેરિફ અને દંડ લગાવવાની જાહેરાત પર ટ્રમ્પે ફરી ભારપૂર્વક કહ્યું કે, “વડાપ્રધાન મોદી મારા મિત્ર છે, પરંતુ વેપારના મામલે તેઓ અમારી સાથે બહુ વધારે વેપાર નથી કરતા, કારણ કે ટેરિફ બહુ વધારે છે. આ સમયે દુનિયામાં તેમનો ટેરિફ સૌથી વધારે છે. તેઓ આમાં ઘણી કટૌતી કરવા તૈયાર છે, પણ જોઈએ શું થાય છે…”

રશિયા સાથે ભારતની નિકટતા ટ્રમ્પને કેમ ખટકે છે?
આ જાહેરાત પાછળ માત્ર ટેરિફ જ નહીં, પણ અન્ય એક મોટું કારણ પણ છે. APના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકા ભારતથી આવતી વસ્તુઓ પર 25% ટેરિફ લગાવશે, સાથે જ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાના કારણે “વધારાનો આયાત કર” પણ વસૂલશે. ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયા પાસેથી સૈન્ય ઉપકરણો અને તેલ ખરીદે છે, જેના કારણે યુક્રેનમાં મોસ્કોનું યુદ્ધ શક્ય બને છે. આથી, તેમનો ઇરાદો શુક્રવારથી અનેક દેશો પર તેમના પ્રશાસનના સંશોધિત ટેરિફ લાગુ કરવા ઉપરાંત “વધારાનો દંડ” વસૂલવાનો છે.

વાણિજ્ય મંત્રાલયનો ખુલાસો
ટ્રમ્પના 25% ટેરિફના એલાન બાદ ભારતના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન આપ્યું હતું. મંત્રાલયે જણાવ્યું કે ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી એક “ન્યાયી, સંતુલિત અને પારસ્પરિક રીતે લાભદાયી” દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત કરી રહ્યા છે અને નવી દિલ્હી આ ઉદ્દેશ્ય માટે પ્રતિબદ્ધ છે.

એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે ભારત પર લગાવવામાં આવેલા નવા ટેરિફથી અમેરિકા સાથે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $500 બિલિયન સુધી બમણો કરવાનો ભારતનો લક્ષ્ય જટિલ બની શકે છે. વોશિંગ્ટન લાંબા સમયથી નવી દિલ્હી સાથે ગાઢ ભાગીદારી વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને ચીન સામે એક મજબૂત દિવાલ તરીકે જોવામાં આવે છે.

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!