ગાંધીનગર પોલીસનું સફળ ઓપરેશન: હરિઓમ જ્વેલર્સ લૂંટના આરોપીઓ ઝડપાયા, ચેઈન સ્નેચિંગ અને ગાડી સળગાવવાના ગુનાઓનો પણ પર્દાફાશ

ગાંધીનગર LCB-1 એ હરિઓમ જ્વેલર્સની લૂંટનો પ્રયાસ કરનાર આરોપીઓને પિસ્તોલ સાથે પકડી પાડ્યા છે. આ ઓપરેશનમાં ચેઈન સ્નેચિંગ અને ગાડી સળગાવવાના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. સંપૂર્ણ વિગતો જાણો.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-1 એ એક સફળ ઓપરેશન પાર પાડીને ગાંધીનગરમાં તાજેતરમાં બનેલી હરિઓમ જ્વેલર્સની લૂંટના પ્રયાસના આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, બે જીવતા કારતૂસ અને ગુનામાં વપરાયેલ વાહનો સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ઓપરેશન દ્વારા માત્ર લૂંટનો જ નહીં, પરંતુ ચેઈન સ્નેચિંગ અને ગાડી સળગાવવાના કુલ 4 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

હરિઓમ જ્વેલર્સ લૂંટનો પ્રયાસ અને પોલીસની તપાસ
ગત તારીખ 30 જુલાઇના રોજ બપોરે આશરે અઢી વાગ્યાની આસપાસ ગાંધીનગરના સેક્ટર 24માં આવેલા હરિઓમ જ્વેલર્સમાં બે અજાણ્યા બુકાનીધારી ઇસમો દ્વારા પિસ્તોલ બતાવી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા.

જેને અનુલક્ષીને LCB-1ના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી. વાળા દ્વારા બે ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી આશરે દોઢસો જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને ટેકનિકલ એનાલિસિસ કર્યું. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારની મદદથી પોલીસે આરોપીઓની ઓળખ કરી અને તેમને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું.

આરોપીઓની ધરપકડ
પોલીસને બાતમી મળી હતી કે લૂંટના પ્રયાસમાં સંડોવાયેલા આરોપીઓ રાકેશ સોલંકી, શાહરૂખ ઉર્ફે ચુમ્મા ડેલીઘરા અને ગજેન્દ્રસિંહ પરમાર ચરેડી ચોકડીથી સમર્પણ કોલેજ તરફ જતા રોડ પર હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા.

આરોપીઓની તપાસ દરમિયાન ગજેન્દ્રસિંહ પરમાર પાસેથી મેડ ઈન ઈંગ્લેન્ડ લખેલી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછમાં ગજેન્દ્રસિંહે જણાવ્યું કે લૂંટ નિષ્ફળ ગયા બાદ રાકેશ સોલંકીએ તેને આ હથિયાર સાચવવા માટે આપ્યું હતું. પોલીસની વધુ પૂછપરછમાં આરોપી રાકેશ સોલંકીએ અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી.

ડિટેક્ટ થયેલા અન્ય ગુનાઓ
પોલીસ તપાસમાં નીચે મુજબના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાંચેઈન સ્નેચિંગ સેક્ટર-26 ગાંધીનગર, આરોપી રાકેશ સોલંકીએ 16 જુલાઇના રોજ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી હતી. આ ચેઈન ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વેચવામાં આવી હતી.

ચેઈન સ્નેચિંગ વસ્ત્રાપુર, અમદાવાદના કેસમાં આરોપી રાકેશ સોલંકી અને શાહરૂખ ડેલીઘરાએ તારીખ 26 જુલાઇના રોજ એક મહિલા પાસેથી સોનાની ચેઈન સ્નેચ કરી હતી. આ ચેઈન પણ ગજેન્દ્રસિંહ પરમારે વેચી નાખી હતી.

ગાડી સળગાવવી ચાંદખેડા, અમદાવાદના કેસમાં આરોપી રાકેશ સોલંકી અને ભાવેશ કાંતિભાઈ ચૌહાણે તારીખ 5 ઓગસ્ટના રોજ એક ફોર-વ્હીલ ગાડી પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. આ ગુનો ગૌરાંગ વાઘેલાના કહેવાથી કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સહ-આરોપી ભાવેશ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે.

મર્ડર કેસમાં પેરોલ જમ્પના કેસમાં આરોપી રાકેશ સોલંકી છેલ્લા ચાર મહિનાથી સેક્ટર-21ના મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો.

આ ઓપરેશનમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગૌરાંગ વાઘેલા અને છોટુ યાદવ નામના બે આરોપીઓને પકડવાના બાકી છે. જેને લઇ પોલીસ હાથ વધુ તપાસ કરી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!