ICICI બેંકે મિનિમમ બેલેન્સની લિમિટ વધારી દીધી છે, પણ બીજી તરફ 5 સરકારી બેંકોએ આ નિયમ હટાવી દીધો છે. જાણો કઈ બેંકોમાં હવે ઝીરો બેલેન્સ પર પણ કોઈ ચાર્જ નહીં લાગે.

અમદાવાદ, સોમવાર
જ્યાં એક તરફ દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકોમાંથી એક એવી ICICI બેંકે તેના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની લિમિટમાં ધરખમ વધારો કર્યો છે, ત્યાં બીજી તરફ ઘણી સરકારી બેંકોએ આ નિયમ જ ખતમ કરી દીધો છે. ICICI બેંકનો આ નવો નિયમ 1 ઓગસ્ટ, 2025થી લાગુ થયો છે, જેના હેઠળ મેટ્રો અને અર્બન વિસ્તારમાં સેવિંગ્સ એકાઉન્ટ માટે એવરેજ મંથલી બેલેન્સ (AMB)ની લિમિટ 10,000 થી વધારીને 50,000 કરવામાં આવી છે. આ સિવાય, સેમી-અર્બન વિસ્તાર માટે 25,000 અને ગ્રામીણ વિસ્તાર માટે 10,000ની લિમિટ નક્કી કરવામાં આવી છે. જોકે આ નિયમ હાલ નવા એકાઉન્ટ્સ પર જ લાગુ છે, તેમ છતાં તેનાથી ખાસ કરીને ઓછી આવક ધરાવતા ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે.
આ 5 બેંકોમાં હવે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી
આ આકરા નિયમની સામે, દેશની મોટી સરકારી બેંકોએ એકદમ ગ્રાહક-ફ્રેન્ડલી પગલાં લીધા છે. આ બેંકોએ હવે સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની શરત જ હટાવી દીધી છે. જો તમારા એકાઉન્ટમાં બેલેન્સ ઝીરો હશે તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
બેંક ઓફ બરોડા: 1 જુલાઈ, 2025થી બેંક ઓફ બરોડાએ બધા રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ્સ માટે AMBનો નિયમ ખતમ કરી દીધો છે. હવે ગ્રાહકોને બેલેન્સ ઓછું થવા પર કોઈ દંડ નહીં લાગે.
ઇન્ડિયન બેંક: 7 જુલાઈ, 2025થી ઇન્ડિયન બેંકે પણ બધી એકાઉન્ટ કેટેગરીમાંથી AMBની લિમિટ હટાવી દીધી છે, જે ગ્રાહકો માટે એક મોટી રાહત છે.
કેનેરા બેંક: કેનેરા બેંકે તો મે 2025માં જ આ મોટું પગલું લીધું હતું. આ નિયમ NRI એકાઉન્ટ્સ પર પણ લાગુ થાય છે, જેનો મતલબ કે હવે તેમને પણ મિનિમમ બેલેન્સ જાળવવાની ચિંતા નથી.
પંજાબ નેશનલ બેંક: પંજાબ નેશનલ બેંકે પણ હવે બધા સેવિંગ્સ એકાઉન્ટ્સમાં ઓછું બેલેન્સ રાખવા પર લાગતો દંડ ખતમ કરી દીધો છે. પહેલા આ પેનલ્ટી બેલેન્સમાં કેટલો ઘટાડો થયો છે તેના પર આધારિત હતી.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા: સૌથી પહેલા 2020માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ પ્રકારનું ક્રાંતિકારી પગલું ભર્યું હતું. ત્યારથી તે તેના કરોડો ગ્રાહકો માટે એક મોટી સુવિધા બની ગઈ છે. બેંક ઓફ ઇન્ડિયાએ પણ પાછળથી આ જ નિર્ણય અપનાવ્યો હતો.
આ સરકારી બેંકોના નિર્ણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે અને તે બેંકિંગ સેક્ટરમાં એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.











