મુંબઈમાં છેલ્લા 48 કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદથી હાલત બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે અને અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

મુંબઈ, બુધવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 48 કલાકથી નોનસ્ટોપ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સિટીનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને પાંચ લોકો ગુમ થયા છે.
મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે. મંગળવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. આખા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રેન, બસ અને ફ્લાઇટ સર્વિસ પર ખરાબ અસર પડી હતી.

ઈન્ડિયન મેટિરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) અનુસાર, બુધવારે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ જ કારણથી બુધવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ગુરુવારથી વરસાદની ગતિ ધીમી થઈ જશે.
છેલ્લા 24 કલાકમાં છ લોકોના મોત
મહારાષ્ટ્ર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં છ લોકોના મોત થયા છે. નાંદેડ જિલ્લામાં પૂરના કારણે પાંચ લોકો ગુમ થયા હોવાના સમાચાર છે. આ પરિસ્થિતિને જોતા, એનડીઆરએફની ટોટલ 18 ટીમો રાજ્યના જુદા જુદા ભાગોમાં તૈનાત કરવામાં આવી છે, સાથે જ એસડીઆરએફની છ ટીમો પણ હાજર છે. એસડીઆરએફએ નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકામાં 293 લોકોનું રેસ્ક્યુ કર્યું છે.
આગામી 48 કલાક ખૂબ જ ઈમ્પોર્ટન્ટ
સેન્ટ્રલ રેલવેની મેઈન અને હાર્બર લાઈનો પર ભારે વરસાદના કારણે પાટા પર પાણી ભરાઈ ગયા, જેનાથી પેસેન્જરોને ભારે મુશ્કેલી થઈ. સતત વરસાદને લીધે સ્કૂલ, કોલેજ, ગવર્નમેન્ટ અને સેમી-ગવર્નમેન્ટ ઓફિસો પણ બંધ રહી. બોમ્બે હાઈકોર્ટ પણ બપોરે 12.30 વાગ્યા સુધી જ ખુલ્લી રહી.
ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી અને કહ્યું કે આગામી 48 કલાક મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે. આ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
આ વિસ્તારોમાં રેડ એલર્ટ
વેધર ડિપાર્ટમેન્ટે બુધવાર માટે રાયગઢ અને પુણેના ઘાટ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે થાણે, પાલઘર, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન, ઈન્ડિગો એરલાઈન્સે મુંબઈમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પેસેન્જરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
5 દિવસમાં 21 લોકોના જીવ ગયા
મહારાષ્ટ્રમાં 15 ઓગસ્ટથી અત્યાર સુધી એટલે કે માત્ર 5 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 21 લોકોના જીવ ગયા છે. તેમાંથી સૌથી વધુ સાત મોત એકલા નાંદેડ જિલ્લામાં નોંધાયા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ 15 ઓગસ્ટે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 16 ઓગસ્ટે 3 લોકોના મોત થયા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે સતત વરસાદથી માત્ર રસ્તાઓ અને ટ્રાફિક જ નહીં, પરંતુ લોકોના જીવ પર પણ સીધો ખતરો ઊભો થાય છે, જેમાં દીવાલ પડવી, વીજળી પડવી કે પૂરના પાણીમાં તણાઈ જવું જેવી ઘટનાઓ સામેલ છે.










