વરસાદનો માર: શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ચોમાસાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટાં અને કેપ્સિકમ જેવા શાકભાજી 120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જેનાથી ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયું છે. જાણો શું છે તેની પાછળનું કારણ અને ક્યારે મળશે રાહત.

અમદાવાદ, બુધવાર
આ વર્ષે ચોમાસાએ ગુજરાતને સારો એવો ઘેર્યો છે, પરંતુ સતત વરસાદના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે, જેની સીધી અસર આપણા રસોડાના બજેટ પર પડી રહી છે. તાજેતરમાં, શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ગૃહિણીઓ માટે રસોડું ચલાવવું મુશ્કેલ બન્યું છે.

અમદાવાદના શાકભાજી બજારમાં ટામેટાં અને કેપ્સિકમ જેવા શાકભાજીના ભાવ 120 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ભીંડા, ગાજર અને અન્ય લીલા શાકભાજી પણ 100 પ્રતિ કિલોથી ઓછા ભાવે ભાગ્યે જ મળે છે. આ વધેલા ભાવના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ પર ગંભીર અસર પડી છે. લોકો હવે માત્ર પોતાની જરૂરિયાત પૂરતું જ શાકભાજી ખરીદી રહ્યા છે અને દાળ કે કઠોળ જેવા વિકલ્પો પર નિર્ભરતા વધી છે.

ખેડૂતો અને વેપારીઓનું શું કહેવું છે?
શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે આ સ્થિતિ માટે તેઓ જવાબદાર નથી. તેઓ પણ ઊંચા ભાવે માલ ખરીદી રહ્યા છે. તેમનો મુખ્ય મુદ્દો એ છે કે છેલ્લા 3 મહિનાથી સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. ખેતરોમાં જ શાકભાજી બગડી ગયા છે, જેના પરિણામે બજારમાં માલની અછત સર્જાઈ છે. સામાન્ય રીતે આ સિઝનમાં માંગ વધુ હોય છે, પરંતુ સપ્લાય ઓછો હોવાથી ભાવ અનિવાર્યપણે વધ્યા છે. વેપારીઓ માને છે કે આગામી 2 મહિના સુધી આ પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાની શક્યતા નથી.

ગ્રાહકોની સમસ્યા અને ભવિષ્યની રાહ
એક તરફ, ગ્રાહકો મોંઘવારીથી પરેશાન છે, તો બીજી તરફ, વેપારીઓ પણ ગ્રાહકોની અછતનો સામનો કરી રહ્યા છે. લોકો ગ્રીન વેજિટેબલ્સને બદલે હવે કઠોળ, સોયાબીન અને અન્ય પૂરક આહાર પર નિર્ભર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર બજેટને જ નહીં, પરંતુ ભોજનના સ્વાદ અને પોષક તત્વો પર પણ અસર કરી રહી છે. હાલની સ્થિતિ જોતાં, ગ્રાહકો અને વેપારીઓ બંનેને ભાવમાં રાહત મળવાની આશા ઓછી છે. આવનારા સમયમાં જ ખબર પડશે કે શાકભાજીના ભાવ ક્યારે સામાન્ય સ્થિતિમાં પાછા ફરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!