ગુજરાતમાં 62 લાખ વોટની ચોરીનો આક્ષેપ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો મોટો ખુલાસો

ગુજરાતમાં વોટ ચોરીના આક્ષેપથી રાજકીય ખળભળાટ. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો કે રાજ્યમાં 62 લાખથી વધુ નકલી વોટર છે.  

અમદાવાદ, શનિવાર
ગુજરાત કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમિત ચાવડાએ રાજ્યમાં વોટ ચોરીનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે લોકશાહીના પાયાને હચમચાવી દેતું આ કૌભાંડ ગુજરાતમાં મોટા પાયે ચાલી રહ્યું છે, જેનાથી સામાન્ય નાગરિકના મનમાં ઘણા સવાલો ઉભા થયા છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસની 150 ટીમોએ એક વિસ્તૃત પ્રોજેક્ટ હાથ ધર્યો, જેમાં મતદાર યાદીની તપાસ કરવામાં આવી. આ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. તેમણે બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતમાં દરેક નાગરિકને સમાનતાનો હક છે, પરંતુ વોટ ચોરીથી લોકશાહી ખતરામાં છે.

ચોર્યાસી વિધાનસભામાં 30,000 ભૂતિયા વોટર મળ્યા
ચાવડાએ નવસારી લોકસભા અને ખાસ કરીને ચોર્યાસી વિધાનસભા બેઠકનું ઉદાહરણ આપ્યું. ચોર્યાસી વિધાનસભામાં કુલ 6,09,593 વોટર છે, જેમાંથી 40 ટકાની તપાસ કરવામાં આવી. આ તપાસમાં સામે આવ્યું કે 2,40,000 વોટરમાંથી 30,000 તો ભૂતિયા એટલે કે નકલી વોટર છે. આ આંકડો સ્પષ્ટ બતાવે છે કે મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઇ રહી છે.

વોટ ચોરીના 5 અલગ-અલગ રસ્તા
અમિત ચાવડાએ વોટ ચોરીની 5 અલગ-અલગ રીતો જણાવી:
* બનાવટી વોટર: જે લોકોનું અસ્તિત્વ જ નથી, તેમના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
* સ્પેલિંગમાં બદલાવ: એક જ નામમાં સ્પેલિંગ બદલીને ડુપ્લિકેટ એન્ટ્રી કરવામાં આવી છે.
* એક વ્યક્તિના અનેક આઈડી: એક જ વ્યક્તિના નામે ૩ થી 4 વોટર આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા છે.
* સરનામું બદલવું: ખોટા એડ્રેસ ઉમેરીને વોટરની ઓળખ બદલવામાં આવી છે.
* ભાષામાં છેડછાડ: ભાષા બદલીને ડેટા સાથે ચેડા કરવામાં આવ્યા છે, જેથી ડિજિટલ સ્કેનિંગમાં ગેરરીતિ પકડાય નહીં.

આ ટેકનિકનો ઉપયોગ કરીને ડેટા મેનેજમેન્ટમાં ગેરરીતિ થઇ રહી છે.

સમગ્ર ગુજરાતમાં 62 લાખ વોટની ચોરીનો આક્ષેપ
ચાવડાએ દાવો કર્યો કે જો આ પાંચેય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો ગુજરાતમાં કુલ 5.06 કરોડ વોટરમાંથી લગભગ 62.31 લાખ વોટની ચોરી થઇ છે. તેમણે કહ્યું કે આવા કૌભાંડો ખાસ કરીને મોટા નેતાઓના વિસ્તારોમાં થઇ રહ્યા છે, જે ગંભીર બાબત છે.

આ મુદ્દે કોંગ્રેસે ચૂપ ન રહેવાનો સંકલ્પ કર્યો છે. પાર્ટીએ જણાવ્યું કે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની તપાસ કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરો દરેક કલેક્ટર ઓફિસ સામે ધરણા પ્રદર્શન અને સભાઓ કરશે. તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ લોકશાહીને બચાવવા માટે કટિબદ્ધ છે.

ચાવડાએ ગુજરાતના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે આ લડતમાં કોંગ્રેસનો સાથ આપો. તેમણે કહ્યું, “2027ની ચૂંટણી સુધીમાં આપણે આ વોટ ચોરોને ઉઘાડા પાડીશું.” આ ખુલાસાથી ગુજરાતના પોલિટિકલ સર્કલમાં હલચલ મચી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે ઇલેક્શન કમિશન અને સરકારે આ મુદ્દે શું સ્ટેપ લે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!