ગાંધીનગરના ચંદ્રાલા નાકા પર ચિલોડા પોલીસે ઇગલ ટ્રાવેલ્સની બસમાંથી એલ્યુમિનિયમ સિલિન્ડરમાં છુપાવેલો 42,000નો વિદેશી દારૂ જપ્ત કર્યો. દારૂની હેરાફેરીના આ નવા કીમિયાનો પર્દાફાશ, રિક્ષાચાલક અને મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરના ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો અનોખો કિસ્સો ઝડપી પાડ્યો છે. હિંમતનગર તરફથી આવતી ઇગલ ટ્રાવેલ્સની બસમાંથી પોલીસે ખાસ રીતે બનાવેલા 8 એલ્યુમિનિયમ સિલિન્ડરમાં છુપાવેલો 42,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ સિલિન્ડરોમાંથી કુલ 256 દારૂના ક્વાટર મળી આવ્યા, જે અલગ-અલગ બ્રાન્ડના હતા.
ચિલોડા પોલીસ મથકના પીઆઇ આર. આર. પરમારની ટીમે ચંદ્રાલા ગામ નજીક નાકા પોઇન્ટ પર રૂટિન ચેકિંગ દરમિયાન આ બસને શંકાસ્પદ ગણી તપાસ હાથ ધરી. બસમાંથી 5 કોથળીઓમાં રાખેલા 8 એલ્યુમિનિયમ સિલિન્ડર મળ્યા, જેમાં દારૂના ક્વાટર છુપાવાયા હતા. પોલીસે આ સિલિન્ડરો અને દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી.
પૂછપરછ દરમિયાન બસના ડ્રાઇવર અને કંડક્ટરે જણાવ્યું કે, આ પાર્સલ ઉદેપુરના ઉદીયાપોલ વિસ્તારમાંથી એક રિક્ષાચાલકે બસમાં મૂક્યો હતો. રિક્ષાચાલકે શ્રી ઇન્ટરપ્રાઇઝના નામે બિલ અને એક મોબાઇલ નંબર આપ્યો હતો. પોલીસે 8,000 રૂપિયાની કિંમતના આ સિલિન્ડરો પણ જપ્ત કર્યા છે.
પીઆઇ આર. આર. પરમારે જણાવ્યું કે, આ સિલિન્ડરોનો ઉપયોગ સામાન્ય રીતે સોડા વોટર બનાવવા માટે થાય છે, પરંતુ અહીં તેનો દુરુપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવ્યો. હાલ પોલીસ રિક્ષાચાલક અને દારૂના મુખ્ય સૂત્રધારની શોધખોળ કરી રહી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે, જેથી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય.











