પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ સાથે જોડાયેલા 978 ચોરસ મીટરના પ્લોટ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સરકારી જમીનના વિવાદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ સાથે જોડાયેલા 978 ચોરસ મીટરના પ્લોટ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. દરખાસ્ત મુજબ, 500 ચોરસ મીટર જમીન ભેટમાં આપવા અને બાકીની જમીન 55 ટકા રાહતદરે આપવાની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરો સભાખંડની બહાર એકત્ર થયા હતા. તેમણે પોસ્ટર્સ સાથે સૂત્રોચ્ચાર કરીને નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ ‘વોટ ચોર ભાજપ’, ‘પ્લોટ ચોર ભાજપ’ અને ‘એક વોટની કિંમત 15 કરોડ’ જેવા સૂત્રો લખેલાં પોસ્ટર્સ દર્શાવ્યાં હતાં. આ વિરોધ પ્રદર્શનને પગલે બેઠક પહેલાં જ રાજકીય માહોલ ગરમાયો હતો.
ચેરમેનને ઘેરવાનો પ્રયાસ, પાછલા બારણેથી પ્રવેશ સામે પણ સૂત્રોચ્ચાર
કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ઘેરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ, અન્ય સભ્યો પાછલા બારણેથી સભાખંડમાં પ્રવેશતા કાર્યકરોએ ‘પાછલા બારણે કોણ જાય, ભાજપના ચોર જાય’ના નારા લગાવ્યા હતા.
આ ઘટનાને પગલે પ્લોટની દરખાસ્ત અને તેના પર લેવાયેલા નિર્ણયને લઈને રાજકીય વિવાદ વધુ વકર્યો છે.
કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીના ગંભીર આક્ષેપ
કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ પત્રકારો સમક્ષ આક્ષેપ કર્યો હતો કે યુસુફ પઠાણે 14 વર્ષથી સરકારી પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે રાજકીય સ્વાર્થ માટે કિંમતી સરકારી જમીન રાહતદરે આપવાનો નિર્ણય કર્યો છે.ઋત્વિજ જોષીના જણાવ્યા અનુસાર, સામાન્ય નાગરિકો પાસેથી નિયમો મુજબ ભાડું વસૂલવામાં આવે છે, જ્યારે આ મામલે સરકારી જમીન અંગે વિશેષ રાહત આપવામાં આવી રહી છે. કોંગ્રેસે આ નિર્ણય સામે સવાલો ઉઠાવીને તેનો વિરોધ કર્યો છે.જોકે, ગેરકાયદે કબજા અને રાજકીય સ્વાર્થના આક્ષેપો કોંગ્રેસના છે. આ અંગે સંબંધિત સત્તાધીશોનો પક્ષ અને દરખાસ્તની સત્તાવાર શરતો પણ સામે આવે તે જરૂરી છે.










